આજકાલ ઠગ લોકોની ટોળકી મહેનત કર્યા વગર ભોળા લોકોના પૈસા બૂચ મારી પોતાના મોજશોખ પુરા કરવામાં વ્યસ્ત છે અને અનેક લોકો આવા ઠગો ની મીઠી અને ઊંચી લાલચમાં આવી જઈ છેતરપીંડીની ભોગ બની રહયા છે અને આવા ઠગ લોકો અન્ય શિકાર શોધતા રહેતા હોય છે ત્યારે આવીજ એક ઠગ ટોળકી વડોદરા પોલીસના હાથે ઝડપાઇ ગઈ છે.
વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ગ્રામ્યની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી કે શિનોરના પુનિયાદ ગામે એક ખેતરમાં એક રૂપિયાના ડબલ રૂપિયા કરી આપતી ગેંગના લોકો ભેગા થઈ ખેલ કરી રહયા છે અને એક મહિલાને ઠગવાની તૈયારી કરી રહ્યા છે બાતમી મળતાંજ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ઠગ ટોળકીના પાંચ ઇસમોની અટકાયત કરી મહિલાઓને ઠગ ટોળકીનો ભોગ બનતા બચાવી લીધી હતી અને ₹7,41,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વિગતો મુજબ એલસીબી વડોદરા ગ્રામ્યના હેડ કોન્સ્ટેબલ ભૂપતભાઈ, અ.હે. કો કનુભાઈ, પો.કો. મેહુલ સિંહ, પો.કો. પ્રવિણસિંહ ,પો.કો. હર્ષ કુમાર ડભોઇ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી કે પુનિયાદ ગામે ટેકરા વગામાં એક ખેતરમાં ચીટિંગથી એકના ડબલ રૂપિયા કરવાની લાલચ આપી કેટલાક ઈસમો ભેગા થયા છે અને એક બહેનને ઠગવાની તૈયારી કરી રહયા છે
આથી તેઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી ખેતરમાં એકત્ર થયેલા ઉસ્માન બચુ દિવાન, પુનિયાદ, રાકેશ વિજય તડવી, તેનતળાવ, મકબુલ શાહ અબ્દુલ શાહ દિવાન, ગઢબોરીયાદ, ઈરફાન મુસ્તુફા દિવાન, કોઠીયાપુરા અને કેસરીસિંગ ઉર્ફે અલ્લારખા ઉદેસિંહ વાઘેલા, ભોજ-પાદરાને ઝડપી પાડ્યા હતા. તેઓની પાસે સ્ટીલના ડબ્બામાં રાખેલા રૂ. 4 લાખ તથા મોટરસાઇકલ નંગ ત્રણ રૂપિયા 65000, મોબાઈલ નંગ 6 રૂપિયા 26000 કુલ મળીને ₹4,91000 મુદ્દામાલ કબજે કરી તેઓ દ્વારા કોઈ સંતોષકારક જવાબ ના મળતાં તમામની અટકાયત કરી હતી.
તપાસમાં ખુલ્યું કે કમળાબેન વજેસંગ પરમાર રહે. લક્ષ્મીપુરા વડોદરાને એકના ડબલ કરવાનો વિશ્વાસ આપી ત્યાં બોલાવ્યા હતા.
પોલીસે આ કમળાબેન પાસેથી પણ ₹2,50,000 મુદામાલ તરીકે કબજે કરી કુલ રૂપિયા 7,41,000 કબજે કરીને પાંચે ઈસમોની અટકાયત કરી શિનોર પોલીસને સોંપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.