રાજ્યમાં આજથી બે દિવસ ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ત્યારે વડોદરા સહિત અનેક શહેરોમાં મુખ્યત્વે આકાશમાં વાદળો જોવા મળી રહયા છે પરિણામે એકંદરે ગરમીથી રાહત મળી છે અને પવનની ઝડપ વધતાં વડોદરાના કેટલાક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ બની હતી.
વડોદરા શહેરમાં છેલ્લા ચાર દિવસથી પવનો ફૂંકાવા અને વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગઈકાલે શનિવારે પણ 17 કિમીની ઝડપે પવન ફૂંકાયા હતા પરિણામે કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા હતા જેમાં ઝાડ તૂટી પડતા વાસણા રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઝાડ પડવાની ઘટનાને પગલે ફાયરબ્રિગેડ દોડતું થયું હતું.
વાસણા રોડ વોર્ડ 11ની ઓફિસ પાસે રોડ પર સાંજે ઝાડ પડ્યું હતું. જેથી વડીવાડી ફાયર સ્ટેશનના લાશ્કરોએ ઝાડ કાપી માર્ગ ખુલ્લો કર્યો હતો.
વડોદરામાં આજે રવિવારે પણ આકાશમાં વાદળો ચડી આવતા મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે પરિણામે ગરમીમાંથી લોકોને થોડી રાહત થઈ છે.