વડોદરાના ફતેગંજમાં એમ્પોરિયમ બિલ્ડિંગ સ્થિત ડગ ગાઉટ કાફેમાં ટોળાઓ દ્વારા તોડફોડનો મામલો સામે આવ્યો છે અને કાફેના બે કર્મચારીઓને માર મારવામાં આવતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા જે પૈકી એક કર્મચારી લોહીલુહાણ થઈ જતા તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. કાફેમાં તોડફોડ અને મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા. સયાજીગંજ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર ઘટના અંગે વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા સેજાજ યુસુફભાઈ ઘાંચી (ઉં.26)એ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ ફતેગંજ વિસ્તારમાં આવેલા એમ્પોરિયમ બિલ્ડિંગમાં આવેલા ડગ ગાઉટ નામના કાફેમાં નોકરી કરે છે અને તા.25 માર્ચના રોજ પોતાના મિત્ર અને ડગ આઉટ કાફેના માલિક રાહુલ પીતાંબર સેંદાણેએ એમ્પોરિયમ બિલ્ડિંગની ગટરની સફાઈ માટે ફતેગંજ વિસ્તારમાં રહેતા સુભાષભાઈ મથુરભાઈએ બોલાવ્યા હતા અને તેઓએ આ ગટરની સાફ-સફાઈ કરવાના 2000 રૂપિયા નક્કી કર્યા હતા અને સફાઈ બાદ 2000 રૂપિયા આપી દીધા હતા.
જોકે,તા. 31 માર્ચના રોજ આ ગટર ફરીથી ઉભરાતા રાહુલભાઈએ ગટર સાફ કરવા માટે સુભાષભાઈને ફરી બોલાવ્યા હતા. જેથી સુભાષભાઈને ગટર સાફ કરી હતી અને રાહુલભાઈએ ફરીથી 300 રૂપિયા આપ્યા હતા. જો કે, ત્યારબાદ પહેલી એપ્રિલના રોજ હું કાફેના માલિક રાહુલભાઈ અને કાફેમાં નોકરી કરતા કાંતિભાઈ મકવાણા હાજર હતા. તે વખતે સાંજે 5:45 વાગ્યાની આસપાસ સુભાષભાઈ અને એક અજાણ્યો ઈસમ ફાકે પર આવ્યો હતો અને રાહુલભાઈની પાસે 200 રૂપિયાની માંગણી કરતા
રાહુલભાઈએ તેઓને જણાવ્યું હતું કે, હવે તમને એક પણ રૂપિયો નહીં મળે, તેમ કહેતા સુભાષભાઈ અને તેની સાથે આવેલો ઈસમ ગમે તેમ ગંદી ગાળો બોલવા લાગ્યા હતા અને ઝઘડો કરવા લાગ્યા હતા અને તમારું કાફે બંધ કરાવી દઈશ તેવી ધમકી આપી હતી અને ત્યાંથી જતા રહ્યા હતા. જો કે, અડધો કલાક બાદ સુભાષભાઈ તથા બીજા બેથી ત્રણ ઈસમો લાકડી ધસી આવ્યા હતા અને કાફેમાં સરસામાનની તોડફોડ કરીને નુકસાન કરવા લાગ્યા હતા.
પરિણામે રાહુલભાઈ અને કાર્તિકભાઈ મકવાણાએ તોડફોડ રોકવા જતા આ ઈસમો પૈકી એક ઈસમે મારા ઉપર લાકડીની પટ્ટીથી હુમલો કર્યો હતો અને ઇજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત કાર્તિક મકવાણાને પણ આવેલા ઈસમો પૈકી એક ઇસમે લાકડાની પટ્ટી વડે માર માર્યો હતો, જેથી તેઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ આ ઈસમો ભાગી છૂટ્યા હતા. જો કે, મને માથાના ભાગે લોહી નીકળતું હોવાથી કાફેના માલીક રાહુલભાઈ અને કાર્તિક મકવાણા મને હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં હાલ મારી સારવાર ચાલુ છે અને મેં આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આમ આ ઘટના અંગે પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.