આજકાલ સરકારી ઉંચા પગારવાળી નોકરી ખૂબ ઓછા લોકોને મળે છે અને સેંકડો બેરોજગાર યુવાનો ખાનગી ફર્મમાં ઓછા પગારમાં નોકરી કરે છે તેમાંય શેઠિયો લબાડ હોયતો કામ કરાવીને પૂરતી સેલેરી પણ આપતો નથી ત્યારે જે લોકોને રેગ્યુલર સરકારી ઊંચો પગાર મળે છે તેઓને કદર નથી અને વધુ પૈસા કમાવા લાંચ માંગતા ફરે છે અને પછી પકડાય છે ત્યારે પસ્તાય છે.
વડોદરામાં નાયબ મામલતદાર રૂ.15,000ની લાંચ લેતા ઝડપાઈ ગયા છે, ફરીયાદી પોતાના ઘરના લોનના હપ્તા ન ભરી શકતા મકાન સીલ થતું અટકાવવાના બદલામાં ‘સાહેબે’ રૂ.15,000ની લાંચ માંગી હતી જેમાં સાહેબ ACBની ટ્રેપમાં લાંચ લેતા રંગેહાથ પકડાઈ ગયા હતા.
હોમ લોનના હપ્તા નહીં ભરી શકતા એક વેપારી સામે વડોદરા જિલ્લા કલેકટરમાં એસબીઆઈ બેંકે કેસ દાખલ કરતા આ કેસની સુનાવણી બાદ વડોદરા જિલ્લા કલેકટરે મકાન સીલ કરવા અંગે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
દરમિયાન વડોદરા શહેરના મામલતદાર(પૂર્વ) કે.પી વસાવાએ ફરિયાદીને સીલ કરવા અંગે નોટિસ મોકલી હતી અને ફરિયાદીએ મામલતદાર (પૂર્વ)ને રૂબરૂ મળીને બે મહિનાની મુદ્દતની માંગણી કરતા
તેઓએ સર્કલ ઓફિસર કેતન શાહને મળવા જણાવતા કેતન શાહે રૂ. 25 હજાર રૂપિયાની માંગણી કરી હતી જેમાં કઈક ઓછું કરવા જણાવતા અંતે રૂ. 15 હજાર નક્કી થયા હતા અને સોમવારે ફરીયાદીએ સર્કલ ઓફિસર કેતન શાહનો સંપર્ક કર્યો હતો.
નાયબ મામલતદારે 15 હજાર તાત્કાલિક આપી દેવા કહ્યું હતું. જોકે, વેપારી પાસે માત્ર સાડા સાત હજાર રૂપિયા જ હતા. જેથી સાડા સાત હજાર રૂપિયા લીધા પછી આજે એસીબીનો સંપર્ક કર્યો હતો અને છટકું ગોઠવ્યું હતું અને બીજા સાડા સાત હજાર રૂપિયા સ્વીકારતા કેતન શાહને રંગે હાથે ભરૂચ એસીબીએ ઝડપી પાડ્યો હતો. નાયબ મામલતદાર કેતન શાહના વાઘોડિયા રોડ ઉપર આવેલા નિવાસસ્થાને પણ એસીબીએ સર્ચ ઓપરેશન હાથ ધરી કાર્યવાહી શરૂ કરતાં લાંચિયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.