—મોડી રાત્રે અઢી કલાકે મન્સૂરી કબ્રસ્તાનમાં PCBએ ઓપરેશન પાર પાડ્યુ ; જુગારીઓમાં ફફડાટ
વડોદરા પોલીસની પીસીબી શાખાની ટીમે મન્સૂરી કબ્રસ્તાન પાસે ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડી જુગારીઓને ઝડપી પાડતા જુગારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. મધ્ય રાત્રીએ પોલીસે લાલ ટોપી ધારણ કરી ટપોરીઓ જેવો વેશપલટો કરી ગટરના ગંદા પાણીમાં સતત એક કલાક સુધી ઉભા રહી ઓપરેશન પાર પાડ્યું હતું.
પીઆઇ એસ.ડી.રાતડાને મન્સૂરી કબ્રસ્તાન કાગડાની ચાલી પાછળ ગટરના ગંદા નાળા પાસે જુગાર ચાલતો હોવાની બાતમી મળતા પોલીસે રેડ માટે તૈયારીઓ કરી હતી પણ આ જગ્યાએ પોલીસને જોઈ જુગારીઓ ગંદા નાળામાં કુદીને ભાગી જવાનો રસ્તો હોય દરોડો મુશ્કેલ જણાતો હતો.
દરમિયાન પીએસઆઈ એસ.આર.પટેલ એએસઆઇ હરિભાઈ અને હેકો હેમ્રજસિંહે વગેરેએ પ્લાન બનાવ્યો હતો અને રેડ પાડવા વેશ પલટો કરી કબ્રસ્તાન પાસે પોલીસ ખાનગી વાહનમાં પહોચી હતી.
જે પૈકી એક ટીમ ગંદા નાળામાં સંતાઈ હતી જ્યારે બીજી ટીમ ટપોરી પહેરે એવી લાલ કેપ પહેરીને જુગારધામમાં ત્રાટકી હતી પરિણામે જે અનુમાન હતું તેમજ થયું અને અચાનક રેડ જોઈ જુગારીઓ ગંદા નાળામાં કુદી ભાગવાનો પ્રયત્ન કર્યો અને એક લાખ રૂપિયા રોકડા નાળાના ગંદા પાણીમાં નાંખી દીધા હતા.
જોકે પહેલેથી જ ગંદા પાણીમાં ઉભેલી પીસીબીની બીજી ટીમે જુગારીઓને ઝડપી પાડ્યા હતા અને ગંદા નાળામાં ફેંકી દેવાયેલા રૂપિયા કાઢી લીધા હતા
જે પૈસા સારા પાણીથી સાફ કરી ગણતરી કરતાં એક લાખ રૂપિયાની નોટો હતી જે રકમ સહિત પોલીસે કુલ 2.65 લાખ સહિત 3.71 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઝડપાયેલા ઇસમોમાં જય રામલાણી, બાબરખાન પઠાણ, પ્રેમ પહેલવાણી, વસીમ પઠાણ, રવિ માછી, સરફરાઝ સૈયદ, મો.જુનેદ અબુજીવાલા, સાજીદ પટેલ, મનોજ લાલવાણી, શૈલેન્દ્ર ઠાકોર, હેમંત પહેલવાણી, નદીમ શેખ, અકબર સૂન્ની અને સંગ્રામસિંગ ખાનવીલકરનો સમાવેશ થાય છે.