વડોદરામાં બનેલા રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજની પ્રોટેકશન વોલ માત્ર છ મહિનામાં જ સામાન્ય વરસાદમાં તૂટી પડતા તંત્ર દોડતું થઈ ગયું હતું ,આ તકલાદી કામગીરી સામે અહીંથી પસાર થઈ રહેલા લોકો અનેક કોમેન્ટ કરતા નજરે પડ્યા હતા.
વડોદરામાં રૂ.200 કરોડના ખર્ચે રાજ્યના સૌથી લાંબો અટલ બ્રિજ બન્યો પણ ત્યારબાદ આ બ્રિજ કામની ગુણવતા મામલે સતત વિવાદોમાં રહ્યો છે અગાઉ બ્રિજમાં તિરાડો પડવાનો મામલો ભારે ચર્ચામાં રહ્યો અને હવે માત્ર થોડા વરસાદમાં બ્રિજની પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ જતા બ્રીજના કામમાં વેઠ ઉતારવામાં આવી હોવાની વાતો વડોદરાવાસીઓમાં ચર્ચાનો વિષય બની છે.
મનીષા ચોકડી નજીક બ્રિજ નીચે પ્રોટેક્શન વોલ બનાવી હતી જે તૂટી પડતા બ્રિજની કામગીરી સામે લોકો અનેક સવાલો ઉઠાવી રહયા છે. બ્રિજની સેફ્ટી વોલ વરસાદને કારણે તૂટી પડવાની જાણ થતા વડોદરા મહાનગરપાલિકાના આધિકારીઓ દોડી આવ્યા હતા.
નોંધનીય છે કે આ અગાઉ વડોદરામાં 200 કરોડોના ખર્ચે બનેલા અટલ બ્રિજ પર મોટી તિરાડો પડી ગઈ હતી.રોડ શાખાના કાર્યપાલક ઇજનેરની ટીમે બ્રિજની મુલાકાત લીધી હતી જ્યા તપાસમાં પ્રોટેક્શન વોલમાં વાપરવામાં આવેલા બ્લોક પણ તૂટી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. હલકી ગુણવત્તાના બ્લોક પ્રોટેક્શન વોલમાં વાપરવામાં આવ્યા હોવાની આશંકા જણાઈ રહી છે.
આમ,રાજ્યના સૌથી લાંબા વડોદરાના બ્રિજની કામગીરી વિવાદોમાં સપડાઈ છે.