બીપોરજોય વાવાઝોડાની અસર વડોદરા શહેરમાં જોવા મળી હતી અને સાંજના સમયે પવન સાથે ચાલુ થયેલા વરસાદના કારણે શહેરના મચ્છીપીઠ, ચાર દરવાજા વિસ્તાર, માંજલપુર, સુભાનપુરા, સમા-સાવલી રોડ, ઈલોરાપાર્ક, ભાયલી, તરસાલી, મકરપુરા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
જોકે,છેવાડે ના ગોત્રી સહિતના વિસ્તારોમાં ખાસ વરસાદની અસર જોવા મળી ન હતી પરંતુ કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.
તેજ પવન ફૂંકાતા ફતેગંજ મુખ્ય માર્ગ પર આવેલી આઠ માળની એક બિલ્ડીંગ પરથી સીન્ટેક્ષની મોટી ટાંકી ધાબા પરથી ઉડીને રોડ પર પડી હતી જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.
વડોદરામાં ફૂંકાયેલા ભારે પવન અને વરસાદને કારણે શહેરના માંજલપુર, કારેલીબાગ, સયાજીગંજ, વડસર, અભિલાષા, જેતલપુર સહિત વિવિધ વિસ્તારમાં મળી કુલ 65 વૃક્ષો તૂટી પડ્યાં હતાં.
રેલ્વે સ્ટેશન પાછળના ભાગે વૃક્ષ તૂટી પડતા બે કાર દબાઈ હતી જ્યારે પરીવાર ચાર રસ્તા પાસે મોટું હોર્ડીંગ્સ રીક્ષા ઉપર પડ્યું હતુ.
ફાયરબ્રિગેડે મોડી રાત સુધી આવા તૂટી પડેલા વૃક્ષ હઠાવવાની કામગીરી કરી હતી.
વડોદરામાં વાવાઝોડાની અસર હેઠળ ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.
ગત સાંજના7.30 વાગ્યાના સુમારે ભારે પવન સાથે વરસાદ થતાં શહેરમાં વૃક્ષો, હોર્ડિંગ, વીજ વાયરો તૂટવાની ઘટનાઓ બની હતી.
શહેર અને જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ થતાં ઠેર-ઠેર વીજળી ગુલ થઈ ગઈ હતી.
શહેરના વાસણા રોડ અને અકોટામાં 50 હજાર ઘરોમાં વીજળી ગુલ થઇ જતા અંધારપટ છવાયો હતો.
શહેરનાં 330 ફીડરો પૈકી 10 ફીડરો અગમચેતીના ભાગરૂપે બંધ કર્યા બાદ વરસાદ બંધ થતાં પુન: ચાલુ કરી દેવાયા હતા. શહેરમાં 90 મિનિટના ગાળામાં 300 કરતાં વધુ ફરિયાદો વીજ કંપનીને મળી હતી. આ ઉપરાંત વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજળી ગુલ થવાના બનાવો બન્યા હતા.
જોકે,વીજ કંપનીને કોલ મળતાની સાથે જ જે-તે વિસ્તારોમાં ટિમો પહોંચી હતી અને ખોરવાઈ ગયેલો વીજ પુરવઠો શરૂ કર્યો હતો.