વડોદરા: યોગને લઈને જ્યાં ચર્ચા થતી રહે છે કે મુસ્લિમોમાં યોગને અનુમતિ છે કે નહિ ત્યાં બીજી તરફ વડોદરા શહેર સ્થિત એક સંસ્થા દ્વારા યોગને પ્રોત્સાહન આપવા માટે ઇસ્લામિક યોગ નો અનોખો માર્ગ અપનાવવામાં આવ્યો છે. ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ માટે યોગ અને કુરાનનો અનોખો સંગમ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, રવિવારના રોજ વડોદરાની તદબીર ફાઉન્ડેશન દ્વારા અજવા રોડ પર આવેલા તૈયબી હોલ ખાતે ખાસ યોગ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, 52 જેટલી મુસ્લિમ મહિલાઓએ ભાગ લીધો હતો.
ફાઉન્ડેશનના નાશીતા ભાઈસાહેબે આ કાર્યક્રમ અંગે જણાવતા કહ્યું હતું કે મુસ્લિમ સમાજની બહેનો સામાન્ય રીતે એવી માન્યતા પ્રવર્તે છે કે યોગ એ કોઈ ચોક્કસ ધર્મ કે સંપ્રદાય સાથે સંકળાયેલ છે. જેથી, તેઓ યોગ કરવાનું ટાળે છે. પરંતુ, વાસ્તવિકતાએ છે કે યોગએ વર્ષો જૂની પદ્ધતિ છે અને હજ્જારો વર્ષોથી તેની પ્રેક્ટીસ થતી આવી છે. ઇસ્લામિક યોગ દ્વારા અમે ઇસ્લામિક માન્યતાઓ અને પૌરાણિક યોગ પ્રેક્ટીસનું સંયોજન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
ઇસ્લામિક યોગ એક નવો વિચાર છે. જેમાં યોગાસનો અને કુરાનના પઠનોનું સંયોજન કરવામાં આવ્યું છે. જેના માધ્યમથી પઠનની ધાર્મિક અનુભૂતિની સાથે યોગાસનોનો શારીરિક લાભ પણ મળશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ યોગ સેશનનું માળખું ધાર્મિક વડા સૈયદના હાતિમ ઝાકીયુદ્દીન અને હોમિયોપેથ ડોક્ટર અને તેમના પતિ ડૉ. ઝુલ્કારનૈન ભાઈસાહેબ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.