વડોદરા શહેરના સુરસાગર તળાવના મધ્યમાં આવેલી 111 ફૂટની શિવજીની પ્રતિમાને રૂ.12 કરોડ રૂપિયાના ખર્ચે સુવર્ણજડિત કરવામાં આવી છે અને મહા શિવરાત્રિ પર્વ પહેલા જ પ્રતિમાનું કપડાનું આવરણ દૂર કરવામાં આવ્યું છે.
જોકે,મહાશિવરાત્રિ પર્વના દીને આવતી કાલે તા.18મી ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.
શિવજીની પ્રતિમાને સુવર્ણજડિત કરવા માટે 17.5 કિલો સોનું વપરાયું હતું. સુવર્ણ જડિત શિવજીની પ્રતિમાના દર્શન કરવા શહેરીજનો ઉમટી રહયા છે.
અત્રે ઉલ્લેખનીય છે વર્ષ-2013થી શિવજી કી સવારી કાઢવામાં આવી રહી છે. અને આ શિવજી કી સવારીમાં સમગ્ર વડોદરા શહેરના લોકો ઉત્સાહભેર જોડાય છે.2017માં શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઉંચી આદર્શીનીય પ્રતિમાને સુવર્ણ જડિત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. વડોદરા શહેર-જિલ્લા, દેશ-વિદેશના અનેક દાતાઓએ ઉદાર હાથે ફાળો આપવાની ઇચ્છા વ્યકત કરી હતી. યોગાનુયોગ 5 ઓગષ્ટ 2020ના દિને એકબાજુ અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શ્રી રામ મંદિરના નિર્માણનો પ્રારંભ થયો હતો. અને બીજી બાજુ શિવનગરી વડોદરામાં શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સૂવર્ણ આવરણ ચઢાવવાના ભગીરથ કાર્યનો પ્રારંભ થયો હતો.
શિવજીની પ્રતિમાને સુવર્ણ જડિત કરવા માટે અમેરિકામાં સ્થાયી ડૉ.કિરણ પટેલ અને દેશ- વિદેશના અનેક દાતાઓએ 111 ફૂટ ઉંચી શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા પર આશરે 17.5 કિલોગ્રામ સુવર્ણ ચઢાવવા માટેના રૂપિયા 12 કરોડના અંદાજીત ખર્ચને પહોંચી વળવા દાન આપ્યુ છે.