રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા છે ત્યારે પરીક્ષાર્થીઓ હવે જેતે કેન્દ્ર ઉપર પહોંચી રહયા છે જેઓને 12 વાગ્યા સુધી વર્ગ ખંડમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવા જણાવાયુ છે.
વડોદરા શહેર અને જિલ્લામાં કુલ 120 કેન્દ્રના 1227 વર્ગ ખંડોમાં 36,810 ઉમેદવારો પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના છે. આ પરીક્ષા બપોરે 12-30થી 1-30 કલાક દરમિયાન યોજાવાની છે.
વડોદરા શહેરની 119 અને જિલ્લામાં સેવાસી ખાતેની એક એમ મળી કુલ 120 પરીક્ષા કેન્દ્ર ઉપર ઉમેદવારોનું ચાર પોલીસકર્મીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
મહિલાઓ માટે અલગ બોક્સમાં મહિલા પોલીસકર્મી દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
વડોદરાના કલેક્ટર કચેરી પાસે આવેલા કુબેરભવન ખાતેના સ્ટ્રોંગરૂમ ખાતેથી વડોદરા શહેર-જિલ્લાના 120 પરીક્ષા કેન્દ્રો ઉપર પેપર્સ ડિસ્પેચ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સવારથી વિવિધ પરિક્ષા કેન્દ્રોના સુપરવાઇઝરો કુબેરભવન ખાતે પહોંચી ગયા હતા.
ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સીલબંધ કવરમાં આપવામાં આવેલા પેપરો લઇ પરીક્ષા કેન્દ્રોમાં જવા માટે રવાના થયા હતા. આજે જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇ શહેર પોલીસ તંત્ર દ્વારા જડબેસલાખ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.