વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાદરા પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા 32 વર્ષીય દર્શન પટેલનું ચાલુ ફરજ દરમિયાન હાર્ટ-એટેક આવતા કરૂણ મોત થઈ જતા ભારે ચકચાર ફેલાઈ જવા પામી છે.
દર્શન પટેલ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા હતા અને તેઓ નિત્યક્રમ મુજબ આજે પોસ્ટ ઓફિસમાં પહોંચ્યા બાદ તેઓને અચાનક ગભરામણ થવા લાગી હતી અને તબિયત ખરાબ થઈ ગઈ હતી પરિણામે તેમના સાથી કર્મચારીઓ તેઓને મોભા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત ઘોષિત કરતા કર્મચારીઓમાં શોકની લાગણી ફેલાઇ હતી.
મૂળ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના રતનપુર ગામના વતની અને હાલમાં શહેરના અટલાદરા પી-401, આરૂણી રેસિડેન્સીમાં રહેતા 32 વર્ષીય દર્શનભાઇ ભીખાભાઇ પટેલ પાદરા તાલુકાના સાદરા પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા હતા.
ફરજ દરમિયાન તેઓને ગભરામણ થતાં તુરંત જ તેઓને મોભા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે, તેઓને તબીબી સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું.
દર્શનભાઇ પટેલના ત્રણ વર્ષ પહેલાં પુનમબહેન સાથે લગ્ન થયા હતા. તેઓ સાદરા પોસ્ટ ઓફિસમાં બે માસથી જ ટ્રાન્સફર થઈને આવ્યા હતા.
આ કરૂણ ઘટના અંગેની જાણ મૃતકના પરિવારને થતાં તેઓ દોડી આવ્યા હતા અને પરિવાર શોકમગ્ન બન્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેકના બનાવો ખુબજ વધ્યા છે અને રોજના આવા બનાવો સામે આવી રહ્યા છે જે ચિંતાનો વિષય છે.