વડોદરા સાવલી પોલીસ મથકમાં રવિવારે આકાશ માળી નામના બૂટલેગર દ્વારા આત્મવિલોપનના પ્રયાસના મામલામાં નાટ્યાત્મક રીતે વળાંક આવ્યો છે.
બૂટલેગર આકાશ માળીએ દવાખાનાના આઈસીયુમાંથી જિલ્લા એલસીબી અને ડી સ્ટાફ સામે ગંભીર આક્ષેપ કરી પોતાને ખોટી રીતે હેરાન કરાતો હોવાની વાત કરી દવાખાનાથી છૂટીને પણ હું મરી જઈશ તેવો વીડિયો વાયરલ કરતાં ચકચાર મચી છે. સાવલી પોલીસ અને એલસીબી થી ત્રાસીને બુટલેગરે આત્મવિલોપન કરવાનો આક્ષેપ કરતા સનસનાટી મચી જવા પામી છે.
સાવલી પોલીસ અને એલસીબી સ્ટાફ પર ગંભીર આક્ષેપ કરી સાત લાખ રૂપિયા માગતા હોવાનો તેણે આક્ષેપ કર્યો છે. પોલીસ અને બૂટલેગરોની સાંઠગાંઠનો ઓડિયો પણ વાયરલ થતાં સાવલી પોલીસ અને એલસીબી ટીમ શંકાના દાયરામાં આવી ગઈ છે.
બૂટલેગર આકાશ માળીએ વાયરલ કરેલ તેના વીડિયોમાં પોલીસ સામે ધાકધમકી આપવાનો આક્ષેપ અને ખોટા કેસમાં ફસાવ્યાનો આક્ષેપ લગાવાયો છે. સાથે સાથે પોતે દવાખાનાથી પરત જઈને પણ મરી જશે તેવી ચીમકી વીડિયોમાં ઉચ્ચારી પોલીસ હવે જીવવા નહીં દે તેવી વાત કરતા સમગ્ર પોલીસ બેડામાં આ વાત ચર્ચાનો વિષય બની છે.