વડોદરા: રાજ્યના સૌથી ઊંચા ત્રિરંગાનું ગત તા. 14મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સમા તળાવ ખાતે બનાવેલા ફ્લેગ ગાર્ડનમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. જેના આજે 18મા દિવસે જ આ વિશાળ ત્રિરંગો ભારે પવનનાં કારણે ફાટ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ મ્યુનિસિપલ કમિશ્નર વિનોદ રાવ દોડી આવ્યા હતાં અને સન્માન સાથે આ ત્રિરંગાનો ઉતારી લેવામાં અવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિજય રૂપાણી પણ આજે વડોદરાના મહેમાન બન્યા છે અને ગણપતિ પંડાલમાં આરતી કરી છે. જોકે હવે ત્રિરંગો ફરી વાર ક્યારે લગાવામાં આવશે તે અંગે તંત્ર આવતીકાલે શનિવારે નિર્ણય કરે તેવી શક્યતાઓ છે. જોકે આ સમગ્ર ઘટના અંગે શહેર કોંગ્રેસના પ્રવક્તા શૈલેષ અમીને રાષ્ટ્રધ્વજના અપમાનની ઘટનાને ખૂબ જ દુખદ ગણાવી છે
શહેરના સમા તળાવ ખાતે બનાવામાં આવેલા ફ્લેગ ગાર્ડન ખાતે ગત તા. 14મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રાજ્યના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. જેની ઊંચાઇ 67 મીટર એટલે કે 360 ફુટની ઊંચાઇ પર લગાવામાં આવેલો રાષ્ટ્રધ્વજ પંજાબની અટારી બોર્ડર ખાતે લગાવામાં આવેલા રાષ્ટ્રધ્વજ કરતા પણ તેની ઊંચાઇ વધારે છે. જે દેશની સાથે સાથે વડોદરાની શાન વધારતો ત્રિરંગો છે. જે આજે સવારે ફાટી ગયો હતો.
એક તરફ રાજ્યના સૌથી ઊંચા ત્રિરંગાને મુખ્યમંત્રીએ લોકાર્પણ કરે આજે 18 દિવસ પૂર્ણ થયા છે અને તેઓ ફરી શહેરના મહેમાન બની શહેરના વિવિધ ગણેશ મંડળોની મુલાકાત લેવા પધાર્યા છે તે પહેલા જ ત્રિરંગો ફાટી જવાની ઘટના બની હતી. જે અંગેની જાણ મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવને થતા જ તેઓ તાત્કાલીક દોડી આવ્યા હતાં કર્મચારીઓને સુચના આપી ફાટી ગયેલો ત્રિરંગો પૂર્ણ સન્માન સાથે લેવામાં આવ્યો હતો. હાલ ફ્લેગ ગાર્ડનમાં ત્રિરંગો લગાવામાં આવ્યો નથી. આ અંગે મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવે જણાવ્યું હતુ કે, વરસાદ અને પવન એક સાથે આવે તો ત્રિરંગામાં નાની મોટી ખામી થવાની સંભાવના વધે છે, એટલે કેટલીક જગ્યાએ વરસાદી ઋતુમાં ત્રિરંગો બે મહિના માટે ઉતારી લેવામાં આવે છે. અમે પણ તે દિશામાં વિચારી રહ્યાં છે.