વડોદરામાં ચાલુ સીઝનના ચોમાસામાં પ્રથમવાર માત્ર ચાર કલાકમાં પાંચ ઇંચ અને જિલ્લાના પાદરા તાલુકામાં 4 ઇંચ વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે અને સર્વત્ર પાણી ભરાઇ ગયા છે દરમિયાન દિવસ દરમિયાન ફરી વરસાદ શરૂ રહેતા જન જીવન પ્રભાવિત રહ્યું હતું.
વડોદરા શહેરના માંડવી, દાંડિયાબજાર, રાવપુરા, સ્ટેશન ગરનાળા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ઉપરાંત પશ્ચિમ વિસ્તારમાં સારાભાઇ સોસાયટીમાં પાણી ભરાઇ ગયા હતા. આ ઉપરાંત શહેરના સ્લમ વિસ્તારો તુલસીવાડી, કમાટીપુરા, પરશુરામ ભઠ્ઠા, નવાયાર્ડ રોશનનગર, આજવા રોડ, ખોડીયારનગર, વડસર, ગોત્રી, ઇસ્કોન મંદિર સહિતના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામ્યા હતા.
રેસકોર્ષ સર્કલ પાસે ઝાડ રોડ ઉપર પડ્યું હતું.
ભારે વરસાદને પગલે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી પણ 14 ફૂટે પહોંચી ગઇ હતી.
ભારે વરસાદ પડતાં નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હોવાના પણ અહેવાલો મળ્યા હતા.