વડોદરા શહેરની વિનાયક સિટી બસમાં ફરજ બજાવતા કંડક્ટરની ઇમાનદારીએ સૌ-કોઇના દિલ જીતી લીધા છે. સિટી બસમાંથી મળેલા અઢી લાખ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના ભરેલુ પર્સ કંડક્ટરે મહિલાને પરત આપતા મહિલાની આંખોમાંખી ખુશીના આંસુ આવી ગયા હતા.
મેનેજરે પર્સ ખોલીને જોતા સોના-ચાંદીના દાગીના મળ્યા
વિનાયક સિટી બસની મીની બસ 15 ઓગસ્ટના રોજ સાંજે વાઘોડિયાથી વડોદરા તરફ આવવા માટે નીકળી હતી. જેમાં ગોરજ ગામમાં રહેતા 25 વર્ષીય ગ્રીષ્માબેન દિનેશભાઇ પરમાર તેમના સસરા સાથે બેઠા હતા. તેઓ તેમની બહેનના સીમંત પ્રસંગમાં જઇ રહ્યા હતા. વડોદરા સિટી બસ સ્ટેન્ડ પર ઉતર્યાં હતા. જોકે, પોતાનું સોના-ચાંદીના દાગીના ભરેલી પર્સ બસમાં જ ભૂલી ગયા હતા. બસમાં બીનવારસી હાલતમાં પડેલુ પર્સ કંડક્ટરે જોયુ હતું. આ પર્સ કંડક્ટર પ્રવીણભાઇ મોહનભાઇ મીના અને ડ્રાઇવર રહેમત ખાન પઠાણે મળીને સિટી બસના મેનેજર નરેન્દ્રસિંહ રાણાને આપ્યું હતું. મેનેજરે પર્સ ખોલીને જોતા તેમાં સોના-ચાંદીના દાગીના હતા. જેથી પર્સને સાચવીને મેનેજરે પર્સ લોકરમાં મૂકી દીધુ હતું.
મહિલાએ કંડક્ટર-ડ્રાઇવર, મેનેજરનો આભાર માન્યો હતો
આજે 16 ઓગસ્ટે બીજા દિવસે સવારે મહિલા તેમની બહેન અને બનેવીને લઇને વડોદરા સિટી બસ સ્ટેન્ડ ખાતે આવ્યા હતા. જ્યાં સિટી બસના મેનેજરે ખરાઇ કર્યાં બાદ અઢી લાખ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના ભરેલુ પર્સ મહિલાને પરત કર્યું હતું. પર્સમાં સોનાનો પોચો, સોનાનું મંગળસૂત્ર, સોનાની બુટ્ટી, ચાંદીનો કમર પટ્ટો અને ચાંદીના પગના ઝાંઝર હતા. પોતાના દાગીના પરત મળતા મહિલા ગદગદીત થઇ ગઇ હતી અને તેની આંખોમાંથી ખુશીના આંસુ આવી ગયા હતા અને કંડક્ટર, ડ્રાઇવર અને મેનેજરનો આભાર માન્યો હતો.
સિટી બસની સવારી ખૂબ જ સલામત કહેવાય
મહિલા ગ્રીષ્માબેન પરમારે જણાવ્યું હતું કે, સિટી બસની સવારી ખૂબ જ સલામત કહેવાય. મને તો વિશ્વાસ જ થતો નથી કે, મને મારા દાગીના પાછા મળી ગયા છે. બસના કંડક્ટરની ઇમાનદારીના કારણે મને મારા દાગીના પરત મળ્યા છે.
મેનેજર કહે છે કે, અમારો સ્ટાફ ખૂબ જ પ્રામાણિક છે
સિટી બસના મેનેજર નરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે, સિટી બસમાંથી મોબાઇલ અને પર્સ સહિત આવી અનેક વસ્તુઓ મળતી હોય છે અને અમે પેસેન્જરને તેની વસ્તુઓ પરત કરીએ છીએ. અમારા ડ્રાઇવર અને કંડક્ટર સહિત તમામ સ્ટાફ ખૂબ જ પ્રામાણિક છે. જેનું અમને ગર્વ છે.