વડોદરા આરટીઓમાં ફરી એક વખત સર્વર બગડી જતા ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ટેસ્ટ આપવા આવેલા 450 લોકોને ભયંકર ગરમીમાં દિવસ બગાડી ફરી ધક્કો ખાવાનો વારો આવતાં તેઓ કોમેન્ટ કરતા નજરે પડ્યા કે એક દિવસનો રોજ તેમજ પેટ્રોલના પૈસા અને ખર્ચો કોણ આપશે? કોઈ નવરા થોડા બેઠા છે? અંદાજે 2 હજાર જેટલા લોકોના વાહન અને લાઇસન્સને લગતા કામ અટવાઈ ગયા હતા.
વડોદરા આરટીઓમાં સર્વર ખોટકાઈ જવાના બનાવો બનતા રહે છે પરિણામે અહીં આરટીઓ સબંધિત કામ માટે આવતા લોકો પરેશાન થઈ રહયા છે.
સરકાર ભલે જાહેરાત કરે કે હવે આરટીઓના કામો ઇઝી થઈ ગયા છે પણ આજના ઓન લાઈન યુગમાં પણ સ્થિતિ ઠેરનીઠેર રહેવા પામી છે.
વડોદરા આરટીઓમાં ફરી એક વખત સર્વર ખોટકાતાં નાગરિકોને હેરાન થવું પડ્યું હતું.
જોકે, વારંવાર બનતી આ પ્રકારની ઘટના અંગે અધિકારીઓએ કોઈ સ્પષ્ટતા કરી ન હતી.
સર્વર બંધ થવાને કારણે વાહન ટ્રાન્સફર, લાઇસન્સ રિન્યુ, એચપી કેન્સલ જેવી કામગીરીને મોટી અસર પડી હતી.
જ્યારે સૌથી વધારે ચિંતા ઇન્ટરનેશનલ લાઇસન્સ કઢાવવા આવેલા લોકોને થઈ હતી. ઇન્ટરનેશનલ લાઇસન્સ વિઝા અને ટિકિટ આવ્યા બાદ કાઢી આપવામાં આવતું હોય છે, જેથી તે લોકોમાં ચિંતા જોવા મળી હતી.
સર્વર બંધ થવાને કારણે વાહનોના ફિટનેસની કામગીરીને પણ અસર થઈ હતી.
આમ,લોકોનો ધક્કો થયો હતો.