વડોદરા શહેરના નવલખી મેદાનમાં સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિતાના પરિવારને ગુજરાત વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કિમ અંતર્ગત રૂપિયા 7 લાખની સહાય આપવામાં આવી છે. આ સહાયમાંથી પીડિતા રૂપિયા 2.50 લાખનો ઉપયોગ કરી શકશે. બાકીના રૂપિયા 4.50 લાખ ડિપોઝિટ કરવામાં આવશે. જે ડિપોઝિટની રકમ પીડિતા 18 વર્ષ પછી ઉપયોગ કરી શકશે.
ગુજરાત કાનુની સેવા સત્તા મંડળના ચેરમેના હસ્તે 7 લાખનો ચેક અપાયો
28 નવેમ્બરના રોજ વડોદરા શહેરના નવલખી મેદાનમાં બનેલી સામૂહિક દુષ્કર્મની બનેલી ઘટનામાં ગુજરાત સરકાર અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા બનાવવામાં આવેલી ગુજરાત વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કિમ અંતર્ગત સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાના પરિવારને ડિસ્ટ્રીક જજ અને ગુજરાત કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન ડો. સી.કે. જોષીના હસ્તે રૂપિયા 7 લાખનો ચેક આપવામાં આવ્યો હતો. આ સમયે કમિટીના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
રૂપિયા 4.50 લાખ પીડિતા માટે ડિપોઝિટ કરવામાં આવશે
ગુજરાત કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન ડો. સી.કે. જોષીએ જણાવ્યું હતું કે, ડિસ્ટ્રીક્ટ જજ, પોલીસ કમિશનર, મેડિકલ ઓફિસર તેમ સાત સભ્યોની ગુજરાત વિક્ટીમ કોમ્પેન્સેશન કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી દ્વારા દુષ્કર્મ પિડીતાના પરિવારને ડિસ્ટ્રીક્ટ જજની ચેમ્બર્સમાં રૂપિયા 7 લાખની સહાયનો ચેક આપવામાં આવ્યો છે. પીડિતા રૂપિયા 7 લાખની સહાયમાંથી રૂપિયા 2.50 લાખ ઉપાડીને વાપરી શકશે. અને બાકીના રૂપિયા 4.50 લાખ ડિપોઝિટ કરવામાં આવશે. ડિપોઝિટ કરવામાં આવનાર રકમ પીડિતા 18 વર્ષની થયા બાદ તેનો ઉપયોગ કરી શકશે. જોકે, પીડિતાને મેડિકલ, એજ્યુકેશન અથવા પુનઃવસવાટ માટે વધુ રકમની જરૂર પડે તો તેઓ કમિટીને અરજી કરી શકે છે. કમિટી અરજીને ધ્યાનમાં લઇ જરૂરીયાત મુજબ ડિપોઝિટમાંથી નાણાં આપી શકે છે. આ સહાય વચગાળાની સહાયરૂપે પીડિતાને આપવામાં આવી છે.
હજુ દુષ્કર્મના આરોપીઓ પોલીસ પકડથી દૂર છે
નોંધનીય છે કે, તા.28 નવેમ્બરના રોજ બનેલી આ ઘટનામાં પીડિતાને સહાય પણ ચૂકવી દેવામાં આવી છે. પરંતુ હજુ દુષ્કર્મના આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ઘટના બને 9 દિવસ જેટલો સમય વિતી ગયા છતાં આરોપીઓ ન પકડાતા શહેર પોલીસ તંત્ર સામે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. વડોદરા શહેરમાં આજે પણ પીડિતાના આરોપીઓને વહેલીતકે ઝડપી પાડવા માટેની માંગ સાથે દેખાવો સહિતના કાર્યક્રમો દ્વારા વિવિધ સંસ્થાઓ દ્વારા યોજવામાં આવ્યા હતા.