વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને મુજમહુડા તરફ વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજ કરવાની કામગીરી માટે વર્ષ 2014માં વર્ક ઓર્ડર આપ્યો હતો. આશરે 25 કરોડના ખર્ચે આ બ્રિજની કામગીરી જમીન સંપાદન ન થવાના કારણે તેમજ રેલવેએ ડિઝાઈનમાં ફેરફાર કરાવતા ઘોંચમાં પડી હતી જેના લીધે બ્રિજ નો પ્રોજેક્ટ ચાર વર્ષે પણ અધુરો રહ્યો છે. જોકે હવે ટૂંક સમયમાં બ્રીજ શરૂ કરાય તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. જાન્યુઆરીમાં જ બ્રિજ શરૂ કરી દેવામાં આવે તેમ જાણવા મળ્યું છે. મુજ મહુડા તરફ વિશ્વામિત્રી બ્રિજ નો વર્ક ઓર્ડર રૂપિયા 24 કરોડ 84 લાખના ખર્ચે તારીખ 16 જૂન 2014ના રોજ અપાયો હતો. તે સમયે બ્રિજ 18 મહિનાની મુદતમાં પૂરું કરવાનો હતો. બ્રિજનો વર્ક ઓર્ડર આપી દેવાયો પરંતુ દબાણોને લીધે જમીનનું પઝેશન ન હોવાથી બ્રિજની કામગીરી થઇ શકી ન હતી. એ પછી કોર્પોરેશને મોડે મોડે દબાણ હટાવ્યા હતા અને જમીન ખુલ્લી કરી હતી. દરમિયાન રેલવે તંત્ર દ્વારા ભાવિ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને બ્રિજને એક મીટર વધુ ઊંચાઈએ લઈ જવા સુચવ્યું હતું.
જેથી કોર્પોરેશનને બ્રિજની ફરીવાર ડિઝાઇન તૈયાર કરી હતી. કેમકે બ્રિજની હાઇટ વધે તો બંને તરફના એપ્રોચ સહિતના ડિઝાઇન પણ બદલે કોર્પોરેશનની સુધારેલી ડિઝાઇન રેલવે તંત્ર દ્વારા વર્ષ 2016માં મંજૂર કરવામાં આવી હતી. કોર્પોરેશને બીજી બાજુ એપ્રોચ માટે ટ્રેક્ટર કંપનીની દિવાલનું બાંધકામ તોડતા મામલો કોર્ટમાં ગયો હતો. કોર્ટે સ્ટે આપતા કોઈ કામ થઈ શક્યું ન હતું. જો કે બાદમાં કોર્ટે સ્ટે વે કેટ કર્યો હતો. કોર્પોરેશનને જમીન મળતાં એપ્રોચ સહિતની કામગીરી શરૂ કરી હતી. દરમિયાન આરટીઆઇ એક્ટિવિસ્ટનું કહેવું છે કે હજી 30 ટકા કામગીરી બાકી છે. બાજુમાં જ જૂનો બ્રિજ ખખડધજ છે તેને પણ રીપેર કરવાની જરૂર હતી. બંને બ્રિજનું કામ સાથે લઈ લીધું હોત તો વધુ સારું થાત કોર્પોરેશનનું તંત્ર બ્રિજ બનાવવાની કામગીરી પણ ચાર ચાર વર્ષ થવા છતાં કરી શકતી નથી. જો કે કોર્પોરેશનના તંત્રે આરટી આઈમાં જવાબ આપ્યો છે કે બ્રિજનું 85 ટકા કામ પૂરું થયું છે અને હવે 15 ટકા કામ બાકી છે.