સયાજીગંજ વિસ્તારમાં રાત્રિના સમયે કેટલાક લોકો મહિલાઓના વેશ પરિધાન કરીને અપ્રાકૃતિક કૃત્ય કરવા માટે લોકોને લલચાવતા ત્રણ પુરુષો ઝડપાયા હતા. શહેરના સયાજીગંજ વિસ્તારમાં રેલવે સ્ટેશન પાસે, યુનિવર્સિટી મેઇન રોડ પર, વિટકોસ બસ સ્ટેશન પાસેના સુલભ શૌચાલય નજીક તથા કમાટી બાગ રોડ પર અને પ્રતાપગંજ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓનો વેશ ધારણ કરી અપ્રાકૃતિક કૃત્ય માટે કેટલાંક તત્ત્વો લોકોને અને ખાસ કરીને નવજુવાનોને લલચાવતા હતા. લોકોને લલચાવ્યા બાદ અંધકારમય જગ્યાએ કે નજીકના સુલભ શૌચાલયમાં લઈ જઈ અપ્રાકૃતિક કૃત્ય કરવામાં આવે છે. જો કોઈ નબીરો દેખાય તો બ્લેકમેઇલ પણ કરતા રહે છે. સયાજીગંજ પોલીસ રવિવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસે પ્રતાપગંજ પોલીસચોકીની સામે ખાડામાં ઊભા રહીને મહિલાના વેશમાં નિર્લજ્જ વર્તન કરી રહેલા રજનિકાંત કાનજીભાઈ પરમાર( રહે. ડભોઈ)ને ઝડપી લીધો હતો, જ્યારે વિટકોસ બસ સ્ટેશન પાસે સુલભ શૌચાલય નજીક પણ પોલીસે તપાસ કરતાં મહિલાઓનાં કપડાં પહેરી આવતા-જતા લોકોને બીભત્સ ચેનચાળા કરી લલચાવી રહેલા પ્રવીણ મદનલાલ ઠાકોર (રહે. કિશનવાડી વુડાના મકાન) તથા બાલાજી આલાજી ગેહલોત (રહે. શ્રીમ સોસાયટી વાસણા) ને ઝડપી પાડયા હતા.