વડોદરા માં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે એક ચોંકાવનારી ઘટનામાં કોરોના પોઝીટિવ ગાજરવાડી ની મહિલાનો કોરોના વાઈરસનો રિપોર્ટ આવે તે પહેલાં જ કેળાની લારી લઇને વેચવા નીકળી પડતાં તંત્ર દ્વારા તેણે શોધવા માટે દોડધામ કરી મુકી હતી. જોકે, પોલીસ ટીમ અને આરોગ્ય વિભાગે મહિલાને શોધી કાઢી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી હોવાના અહેવાલ છે જો કે મકરપુરા નોવિનો સામેની પાંચથી વધુ સોસાયટીઓ ના લોકોએ આ મહિલા પાસેથી કેળા ખરીદ્યા હોય તકેદારી ના ભાગરૂપે આ વિસ્તારમાં ક્વોરન્ટીનની કાર્યવાહી ચાલી રહી છે. આરોગ્ય વિભાગે ઘરની બહાર નીકળવાની ના પાડી હતી.
વડોદરામાં રોજરોજ નવા વિસ્તારોમાંથી કોરોના વાઈરસના કેસો સામે આવી રહ્યા છે, આજે વડોદરામાં વધુ 7 કોરોના વાઇરસના કેસ સામે આવ્યા હતા. જે પૈકી ગાજરાવાડી શિવનગરમાં રહેતા મંજુબહેન શંકરભાઇ ચુનારા(ઉં.45)નું પણ સેમ્પલ લેવામાં આવ્યું હતું અને તેઓને જણાવવામાં આવ્યું હતું કે, રિપોર્ટ ન આવે ત્યાં સુધી ઘરની બહાર નીકળવું નહીં. જો તમે ઘરની બહાર નીકળશો, તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ છતાં રિપોર્ટની રાહ જોયા વગર મહિલા કેળા વેચવા નીકળી પડી હતી.
આજે સવાર સુધી મંજુબહેન ચુનારાને પોતાના રિપોર્ટ અંગેની કોઇ માહિતી ન મળતા તેઓ કેળાની લારી લઇને કેળા વેચવા માટે નીકળી પડ્યા હતા. દરમિયાન મંજુબહેન ચુનારાનો કોરોના વાઈરસ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્યની ટીમ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવા માટે લેવા માટે ગયા હતા. પરંતુ, તેઓ ઘરે મળી આવ્યા ન હતા અને તંત્રને જાણવા મળ્યું કે, તેઓ કેળા વેચવા માટે નીકળ્યા છે.
કોરોના વાઈરસ પોઝિટિવ મંજુબહેન કેળા વેચવા નીકળ્યા હોવાની જાણ આરોગ્ય ટીમને થતાં તુરંત જ તેઓએ પોલીસની મદદ લઇ તેઓને શોધવા માટે નીકળી પડ્યા હતા અને આખરે તેઓને શોધી કઢાયા હતા. મંજુબહેન પકડાયા બાદ તંત્રએ નિરાંત નો શ્વાસ લીધો હતો. કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ડો. દેવેશ પટેલે જણાવ્યું હતું કે, પોઝિટિવ આવેલા મંજુબહેન ચુનારા શોધી કાઢી આઇસોલેશનમાં મુકી દેવામાં આવ્યા છે અને સંપર્કમાં આવનાર ને ટેસ્ટ કરાવવા અપીલ કરાઈ છે.
રિપોર્ટ આવતા પૂર્વે કેળા વેચવા માટે નીકળી પડેલાં મંજુબહેન ચુનારાના સંપર્કમાં જે લોકો આવ્યા છે તેઓને ટેસ્ટ કરાવી લેવા તંત્ર દ્વારા અપિલ કરવામાં આવી છે. આમ આવા તો અનેક છીંડા બહાર આવી રહ્યા છે ત્યારે સંક્રમણની શકયતા વધી ગઈ છે અને કેટલાય રિપોર્ટ કર્યા વગર ના પોઝીટીવ દર્દીઓ ફરતા હોવાની શંકા ઉભી થઇ છે.