વડોદરા-હાલોલ રોડ ઉપર કેનાલની બહાર નીકળી આવેલા 12 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વડોદરામાં વિશ્વામિત્રી નદીની સાથે-સાથે નર્મદા કેનાલ તેમજ અન્ય નદીઓમાં પણ મગરો મોટા પ્રમાણમાં વસવાટ કરી રહ્યા હોવાની વિગતોને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો છે. શિયાળાની શરૂઆત થતાં રાત્રિના સમયે મગરો ગરમી લેવા માટે હાઇવે તરફ આવતા હોવાના વારંવાર બનાવો બની રહ્યા છે.
આવા જ એક બનાવમાં ગઇરાત્રે વડોદરા- હાલોલ રોડ ઉપર નર્મદા કેનાલ પાસે સાડા અગિયારથી બાર ફૂટનો મહાકાય મગર આવી જતા વાહન ચાલકો અને ગ્રામજનોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જીવ દયા પ્રેમી સંસ્થાની મદદ લેવાતા કાર્યકરોએ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી મગરને ફોરેસ્ટ વિભાગને હવાલે કર્યો હતો.