બ્રેઇન હેમરેજની બીમારીથી પીડાતા પિતાને જોરથી વગાડતા હોર્નથી પરેશાની થતી હોવાથી ગાડીવાળાને સમજાવવા જનાર પુત્રને સોસાયટીવાળા ભેગા મળીને ધમકવતા હોય તે અંગે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, મકરપુરા રોડની વૃંદાવન સોસાયટીમાં રહેતા નિશિથ સદાશીવભાઇ જોશી (ઉ.વ.૫૧) આર.ટી.આઇ. એક્ટીવીસ્ટ છે. ૯૦ વર્ષના તેમના પિતા બ્રેઇન હેમરેજ થયુ છે, અને ૮૩ વર્ષના માતાને હાઇ બીપીનો પ્રોબ્લેમ છે. નિશીથે પોલીસને જણાવ્યું છે કે હું એક વ્હીસલ બ્લોઅર છું અને મે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં થતી અનેક અનિયમિતતાને ઉજાગર કરી હોય મારા અવાજને બંધ કરવા ભૂતકાળમાં પણ મારા પર હુમલો થયા છે. નિસર્ગ ભૂપેન્દ્રભાઇ પટેલ, મારી સોસાયટીમાં એક યુવતીને છોડવા માટે આવતો હતો. કાર રિવર્સ લેતા સમયે રિવર્સ હોર્ન વાગતો હોય મારા વયોવૃધ્ધ પિતા -માતાને તકલીફ પડે છે. મે નિસર્ગને હોર્ન કાઢી નાખવા માટે જણાવ્યું હોવાછતાંય નિસર્ગે હોર્ન કઢાવ્યો ન હતો. આ રીતે સોસાયટીના અન્ય રહીશો રવિભૂષણ સીંગલ, પુષ્કર રમેશ હાન્ડે, મંગેશ રમેશ હાન્ડે તથા રીટા રાકેશભાઇ પટેલ પણ નિશીથને હેરાન કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હોય તે અંગે નિશીથે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.