નાગરીકતા સુધારા કાયદા (CAA)ના વિરોધમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમોએ બંધનું એલાન આપ્યું હોવાના ફરતા થયેલા મેસેજને પગલે આજે વડોદરામાં બંધની અસર દેખાઇ હતી. સોશિયલ મીડિયા પર બંધના મેસેજ ફરતા થયા હોવાથી પોલીસે કેટલાક શકમંદોની પૂછપરછ કરી હતી પરંતુ તેમણે આ મેસેજ વિશે કાંઈ જાણતા નહીં હોવાનું કહ્યું હતું. બીજી તરફ શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌતે ગઇરાત્રે ઉચ્ચ અધિકારીઓની મીટીંગ બોલાવી સંવેદનશીલ વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આજે સવારથી પોલીસ અધિકારીઓ વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે જ્યારે મુસ્લિમ વિસ્તારોમાં બંધની અસર જોવા મળી હતી. આ દરમિયાન શહેરમાં સંપૂર્ણ શાંતિ જળવાઈ રહી છે અને કોઇપણ અનિચ્છનીય બનાવ બન્યો નથી.