વડોદરાના નવલખી કંમ્પાઉન્ડમાં બનેલી ગેંગરેપની ચકચારી ઘટનાને પગલે રાજ્યના ગૃહમંત્રી આજે વડોદરા આવ્યા હતા અને પીડિતાના પરિવાર અને બનાવના સ્થળની મુલાકાત લીધી હતી. ગૃહ મંત્રી સાથે શહેર પોલીસ કમિશનર, જોઇન્ટ કમિશનર,ગૃહ સચિવ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. ગૃહમંત્રીએ બનાવના સ્થળની મુલાકાત લીધા બાદ કહ્યું હતું કે, પોલીસની ટીમો આરોપીઓને શોધવા માટે સતત કાર્યરત છે.
આરોપીઓને શોધ્યા વગર પોલીસ રાહતનો શ્વાસ નહીં લે.આ ઉપરાંત સરકાર પણ ગેંગરેપના આરોપીઓને ફાંસીની સજા અપાવવા કટિબદ્ધ છે. જ્યારે પિતાના પરિવાર ને નિયમ મુજબ રાહત આપવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે. રાજ્યના બિન સચિવાલય ક્લાર્ક તેમજ ઓફિસ આસીસ્ટન્ટની પરીક્ષામાં થયેલી ગેરરીતિના વિરોધમાં પરીક્ષાર્થીઓ દ્વારા શરૂ કરેલા આંદોલન વિશે ગૃહમંત્રીએ કહ્યું હતું કે, પરીક્ષાર્થીઓની સાથે સરકારને સંપૂર્ણ સહાનુભૂતિ છે. SIT તપાસ કરી રહી છે અને આંદોલન કરતાં પરીક્ષાર્થીઓ સાથે વાતચીત પણ ચાલી રહી છે.
પોલીસને આંદોલનકારીઓ સાથે બળપ્રયોગ નહીં કરવા કડક સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં છ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હોવાથી ફરીથી પરીક્ષા લેવી શક્ય નથી. સરકાર પરીક્ષા કેન્દ્રોમાં CCTVના ફૂટેજ તપાસી ગેરરીતિ આચરતાં પરીક્ષાર્થીઓ સામે પગલાં લેશે. આ ઉપરાંત આંદોલનકારીઓને રાજકીય હાથો બનાવવામાં આવી રહ્યો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.