વડોદરામાં જામીન પર છુટેલા હત્યાનાં એક આરોપીએ સેન્ટ્રલ જેલથી પોતાનાં ઘર સુધી રેલી કાઢી પોલીસની ધાક અને આબરૂનાં ધજાગરા ઉડાવી દીધાં છે. આ હત્યારા આરોપીની રેલીનો ટિકટોક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વડોદરા પોલીસ એક્શનમાં આવી છે. વડોદરામાં આરોપીઓ દ્વારા પોલીસની આબરૂ નિલામ કરતાં એક પછી એક ટિકટોક વિડીયો વાયરલ કરાઇ રહ્યાં છે. અગાઉ સયાજીગંજ પોલીસ મથકમાં આરોપીએ બનાવેલ ટિકટોક વિડીયો વાયરલ થયાં બાદ હવે વધુ એક આરોપીનો ટિકટોક વિડીયો સામે આવ્યો છે.
જેમાં હત્યાનાં આરોપીએ જામીન પર જેલમાંથી છુટ્યા બાદ જેલથી પોતાનાં ઘર સુધી તેનાં સમર્થક મિત્રો સાથે રેલી યોજી હતી. જેલમાંથી જામીન પર છુટેલો સુરજ કહાર નામનો આરોપી લાલ કલરની ઓડી કારમાં સવાર થઇ રેલી સ્વરૂપે વડોદરાનાં રાજમાર્ગો પર ફર્યો હતો અને આ રીતે જ પોતાનાં ઘરે પહોંચ્યો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ મામલે હત્યાનાં આરોપી સુરજ કહાર ઉર્ફે ચુઇ અને તેનાં 10 જેટલાં મિત્રો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. પોલીસે લાલ કલરની ઓડી કાર કબ્જે કરી છે અને ભૂગર્ભમાં ઉતરી ગયેલાં આરોપી સુરજ અને તેનાં મિત્રોને શોધવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.