વડોદરામાં ખૂબજ ફેમસ એવી દુલારામ પેંડાવાળાની દુકાનના ગેરકાયદે દબાણ મામલે તંત્ર દ્વારા પાંચ પાંચ આ નોટિસ પાઠવી હોવાછતાં પાલિકાની નોટીશની દુકાનવાળાને કોઈ અસર થઈ નથી અને તંત્રની પીપુડી વાગી નથી અને તંત્ર એક્શન લેવામાં નિષ્ફળ જતા તંત્રની મજબૂરી સામે સવાલો ઉઠવા પામ્યા છે.
ક્યાંક વહાલા દવલાની નીતિતો કામ નથી કરી રહીને?તેવા લોકોમાં હવે સવાલો ઉઠવા લાગ્યા છે.
અહીં માત્ર દેખાડવા પૂરતી નોટિસો પાલિકા દ્વારા આપવામાં આવે છે પણ એક્શન કશું લેવાતા નથી પરિણામે લોકોમાં હવે આ પ્રકરણ હવે ચર્ચાસ્પદ બન્યું છે.
વડોદરામાં રાવપુરા મેઇન રોડ ઉપર આવેલ દુલીરામ પેંડાવાળાની હયાત દુકાનની પાછળના ભાગે આવેલ જગ્યામાં લોખંડની પાઇપો મૂકી પરવાનગી વગર ગેરકાયદે સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું હોવા અંગે પાલિકાના ડે.ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર દ્વારા વખતોવખત નોટીશ પાઠવામાં આવી હોવાછતાં દુલીરામ પેંડાવાળા તંત્રની નોટીશને ગણકારતા નથી,બીજી તરફ પાલિકાના અધિકારી દરેક નોટિસમાં ફૂંફાડા માર્યા કરે છે કે જો હવે જો દિન-3માં જરૂરી મિલકતના સાધનિક પુરાવા,મંજૂર નકશા,રજાચિઠ્ઠી વગરે સાથે ખુલાસો નહિ કરો તો આગોતરી જાણ કર્યા વગર મિલકતને સીલ કરવામાં આવશે.
જોકે નવાઈની વાત એ છે કે આ આગોતરી જાણ કર્યા વગર એક્શન લેવાનું મૂહર્ત આવતું નથી અને માત્ર આ પ્રકારની વારંવાર નોટીસ પાઠવી પાલિકાનું તંત્ર શુ કરવા માંગે છે તે સમજાતુ નથી.
આમ, માત્ર દેખાવ પુરતી નોટિસો પાલિકા દ્વારા આપવામાં આવે છે પણ આજદિન સુધી સીલ કરવા કે દબાણ હઠાવવા કોઈ એક્શન લેવાયા નથી જ્યારે બીજી તરફ પાલિકા તંત્ર અન્ય વિસ્તારોમાં કોઈની શરમ રાખ્યા વગર એકશન લઈ રહ્યું છે.
વડોદરા મહાનગર પાલિકાના દબાણ શાખાની ટીમ દ્વારા અનેક દુકાનોના શેડના દબાણ હઠાવી રહ્યું છે,પરંતુ નવાઈની વાત એ છે કે દુલીરામ પેંડાવાળા પાસે તંત્રની બોલતી બંધ થઈ જાય છે કારણકે નોટીસમાં ઉલ્લેખ છે કે હવે કોઈ આગોતરી જાણ કર્યા વગર એક્શન લઈશું પણ આ દરેક નોટીસમાં ત્રણ દિવસની મુદત મહીનાઓ વીતવા છતાં પુરી થતી નથી અને વડોદરા મનપા એક્શન લેવામાં નિષ્ફળ રહ્યું છે. આમ, એકને ખોળ અને બીજાને ગોળની નીતિ રાખતા તંત્ર વાહકો દુલીરામ પેંડાવાળા સામે પીપુડી વાગતી નથી અને નોટીશનો તંબુરો વગાડ્યા કરતું હોવાથી પાલિકાના જવાબદાર અધિકારીઓ શંકાના ઘેરામાં આવી ગયા છે અને લોકોમાં આ મેટર હવે ચર્ચાસ્પદ બની છે.