વડોદરાના અલકાપુરી વિસ્તારમાં બેન્કમાંથી રૂપિયા ઉપાડી નીકળેલા સિનિયર સિટીઝનને ઠગે વાતોમાં ફસાવી રૂ. 3 લાખ પડાવી લીધા હતા. સાવલીની કંપનીમાં ફરજ બજાવતાં મનોજભાઈ ભાલજા (રહે.વ્રજધામ સોસાયટી, સુસેન તરસાલી રોડ)એ પોલીસને જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરે હું કંપનીના કામ માટે અલકાપુરીની સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કમાં રૂ.2.92 લાખ અને રૂ.34 હજારના ચેકો વટાવી બેગમાં રોકડ મૂકી બેંકની બહાર નીકળ્યો ત્યારે લાલ ટીશર્ટવાળા એક યુવકે મનોજભાઈ.. તેવી બૂમ પાડીને મને બોલાવ્યો હતો.
અજાણ્યા શખ્સે તમારી કંપનીનો રૂપિયા 25 લાખનો ચેક આપવાનો છે.. તેમ કહી મને ચેક આપ્યો હતો. ત્યારબાદ ઠગે કહ્યું હતું કે, આઇવરી ટેરેસમાં આઠમા માળે મારી ઓફિસ આવેલી છે, જો તમે ઓફિસમાં આવો તો રૂપિયા 10 લાખની રોકડ પણ આપી દઉં. મને વિશ્વાસ બેસતા હું તેમની સાથે જવા તૈયાર થયો હતો. લિફ્ટ પાસે પહોંચતા ઠગે રૂ. 35 લાખનો ચેક સ્ટેમ્પ મારવા માટે પાછો માગ્યો હતો ત્યારબાદ તેણે કોઈની સાથે ફોન ઉપર વાત કરી હતી અને આ ભાઈને એ રૂપિયા 10 લાખ આપી દેજો તેમ કહ્યું હતું.
મનોજભાઈએ વધુમાં જણાવ્યું છે કે, લિફ્ટ નીચે નહીં આવતા ગઠિયાએ હું સ્ટેટ બેંક બેંકમાં જઈને આવું છું, તમે 803 નંબરની ઓફિસમાં બેસો તેમ કહી રૂપિયા 3 લાખ માગતાં મેં બેગમાંથી રૂપિયા ગણી તેના હાથમાં મુક્યા હતા અને ગઠિયો રૂપિયા લઈને ચાલ્યો ગયો હતો. હું 803 નંબરની ઓફિસમાં ગયો ત્યારે ત્યાં બેઠેલ વ્યક્તિ એ મારે કોઈની સાથે વાત થઇ નથી તેમ કહ્યું હતું. જેથી હું છેતરાયો હોવાનું જણાતા તુરત જ સ્ટેટ બેંકમાં ગયો હતો પરંતુ ત્યાં ગઠિયો મળ્યો ન હતો. ગોત્રી પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.