જે.પી.રોડ પોલીસ મથકનો ફોન આજે રણકતા સામેથી અવાજ આવે છે હેલ્લો હું જે.પી.રોડ પોલીસ ઇન્સપેકટર લકીકુમાર બોલુ છુ.આ શબ્દો બોલતાની સાથેજ દશ વર્ષના માસુમ બાળકની આંખોમાં અનેરી ચમક આવી જાય છે. અસાધ્ય બિમારીથી પીડાતા લકીકુમારને આજે એક દિવસ માટે જે.પી.રોડ પોલીસ મથકનો પોલીસ ઇન્સપેકટર બનાવવામાં આવ્યો હતો. અસાધ્ય બિમારીથી પીડાતા બાળકોની ઇચ્છાપુર્ણ કરવા કાર્ય કરતી મેક એ વીશ સંસ્થા દ્વારા શહેર પોલીસના સહકારથી આ કામગીરી કરવામાં આવી હતી.
બાળક જયારથી સમજણો થાય છે .ત્યારથી તે પોતાના મનોમન ભવિષ્યમાં શું બનવા માંગે છે. તે નકકી કરી લે છે. પરિવારના સભ્યો અવારનવાર જયારે તેને પુછે છે ત્યારે તે કહે છે કે હું મોટો થઇને ડોકટર ,એન્જિનિયર કે પોલીસ અધિકારી બનીશ. શહેરના દશ વર્ષના લકીકુમારે (નામ બદલ્યુ છે) પણ મોટો થઇને પોલીસ ઇન્સપેકટર બનનવાની ઇચ્છા હતી.
પોલીસ ઇન્સપેકટર જે ફરજ બજાવે તે તમામ ફરજ આજે લકીકુમારે પોલીસ સ્ટેશનમાં બજાવી હતી. પોલીસ ઇન્સપેકટર ફરજ ઉપર પ્રથમવાર હાજર થાય અને સ્ટાફ દ્વારા અધિકારીનું સ્વાગત થાય તે રીતે લકીકુમારનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. પોલીસ અધિકારીઓ સાથે મિટીંગ, વિસ્તારના ગુનેગારોનો પરિચય ,જુદી જુદી શાખાની કામગીરીથી પરિચિત કરાવવામાં આવ્યા હતા. રોલકોલ અને પેટ્રોલીંગની ફરજ પણ બજાવી હતી.
લકીકુમારની ઇચ્છાપુર્ણ કરવી અમારા માટે સુખદ પળ: રાજન સુશ્રા
પોલીસનું કામ કાયદો-વ્યવસ્થા જાળવવુ અને લોકોની જાનમાલની રક્ષા કરવાનુ છે. આ ઉપરાંત લોકો સાથે સૌહાદપુર્ણ સબંધો સ્થાપિત કરવાનું છે. ૧૦ વર્ષના લકીકુમારને પોલીસ ઇન્સપેકટર બનાવવાનો પ્રસ્તાવ મળતાજ અમે સ્વીકારી લીધો હતો. લકીકુમારની ઇચ્છાપુર્ણ કરવી અમારા માટે સુખદ પળ હતી. ડીસીપી રાજન સુશ્રા