વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘન કચરા કલેકશન સંબંધિત ફરિયાદોનો જલદીથી નિકાલ થાય તે માટે કવિક રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે. શહેરનો કોઈપણ નાગરીક સવારે 10થી સાંજના 6 વાગ્યા સુધી 99131-66666 નંબર ઉપર કોલ મેસેજ કે પછી વોટ્સએપ મેસેજ કરી ઘન કચરા કલેકશન અંગે ફરિયાદ નોંધાવી શકશે.
આ ફરિયાદનો નિકાલ જે તે વોર્ડની કવિક રિસ્પોન્સ ટીમ દ્વારા બે કલાકમાં કરવામાં આવશે. વડોદરા કોર્પોરેશનના 12 વહીવટી વોર્ડમાં આવી બાર ટીમ બનાવવામાં આવશે. વડોદરા કોર્પોરેશન દ્વારા સફાઇની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી રહી છે અને વિવિધ વિસ્તારોમાં અધિકારીઓ જઈને રોજ સફાઈ કામગીરી અંગે નિરીક્ષણ પણ કરે છે અને ગંદકી ફેલાવતા લોકો પાસેથી દંડની વસુલાત કરે છે. આ અગાઉ દંડ વસુલ કરવામાં બેદરકારી રાખવા બદલ 6 વોર્ડ ઓફિસરોને નોટિસ પણ ફટકારવામાં આવી હતી.