રાવપુરા વિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીની રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ (સ્પીકર) પદે વરણી થતાં હરખ અનુભવી રહેલા શહેરીજનોએ આજે ઠેર ઠેર તેમને ફુલડે વધાવીને આવકાર્યા હતા. આ ગરિમાસભર પદ પર તેમની પસંદગીથી વડોદરા ગૌરવાન્વિત થયું છે. તેનો આનંદ વ્યક્ત કરતા કુલેશભાઇ ગુપ્તાના નેતૃત્વ હેઠળ ઊર્મિ સ્કૂલ અને બીઆરજી પરિવારે તેમને ખૂબ જ ભાવપૂર્વક આવકાર્યા હતા.
જિલ્લા કક્ષાની રમત સ્કૂલનો દરજ્જો ધરાવતી ઊર્મિ સ્કૂલ પાસેથી પસાર થતા વિધાનસભા અધ્યક્ષશ્રીના કાફલાને રમતવીરોના રાષ્ટ્રગીત જેવા ચક દે ચક દે ઇન્ડિયા ગીતના સૂરો વચ્ચે, ભારત માતાના
જય જયકારથી વધાવી લેવામાં આવ્યા હતા. શાળાની વિદ્યાર્થિનીઓ કુમ કુમ તિલક કરીને તેમને વધાવ્યા હતા. અધ્યક્ષએ બાલિકાઓ પર પુષ્પવર્ષા કરીને આશિષ પાઠવ્યા હતા. આ પ્રસંગે બકુલેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, વિધાનસભાનું અધ્યક્ષપદ એ કપરી અને ગરિમાસભર જવાબદારી છે. રાજેન્દ્રભાઇની આ પદ માટે પસંદગીથી શહેર-જિલ્લાનું ગૌરવ વધ્યું છે.