અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, આણંદ સહિતનાં શહેરોમાં 45 મીટરથી વધુ પહોળા રસ્તા ઉપર અપાશે ચારની FSI ક્રેડાઈ ગુજરાત દ્વારા આયોજિત ગ્રોથ એમ્બેસેડર્સ સમિટ 2019માં મુખ્યમંત્રીએ કરી જાહેરાત
ગુજરાતમાં દુબઈ, સિંગાપુર, હોંગકોંગ જેવા આઈકોનિક બિલ્ડંગ બનાવવામાં આવે. આવી બિલ્ડંગ્સ પર્યટન અને પ્રવાસનને આકર્ષિત કરશે. તેનાં માટે એફએસઆઈમાં અમે રાહત આપીશું. ક્રેડાઈ ગુજરાત દ્વારા આયોજિત ગ્રોથ એમ્બેસેડર્સ સમિટ 2019માં મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ વાત કહી. સમિટનાં પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયના 3000 બિલ્ડરોને સ્કાયલાઈન માટે આહવાન કર્યું હતું. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં દુબઈ, સિંગાપોરની જેમ 50 થી 60 માળના આઈકોનિક બિલ્ડિંગનો પ્રોજેક્ટ તૈયાર કરવા કહ્યું હતું. આ પ્રકારના આઈકોનિક પ્રોજેક્ટ લાવનાર ડેવલપરને વધારાની એફએસઆઈ આપીને સ્પેશિયલ કેસમાં મંજૂરી આપવાની જાહેરાત રૂપાણીએ કરી હતી.
ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં દિવાળી લાવવા અંગેની જાહેરાતો મુખ્યમંત્રી રૂપાણીએ કરી હતી. બે વર્ષ પહેલા જાહેર કરેલા કોમન જીડીસીઆર(ક્રોમ્પ્રેહેન્સીવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન) નું ફાઈનલ નોટિફીકેશન ઈશ્યૂ કરાયું હતુ. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત ઉપરાંત પાલનપુર, મહેસાણા, આણંદ સહિતના શહેરોમાં 36 મીટરથી 44 મીટરના રસ્તા ઉપર મહત્તમ 3.6 એફએસઆઈ તથા 45 મીટર કે તેથી વધુ પહોળા રસ્તા ઉપર ચારની એફએસઆઈ આપવાની વાત કહેવામાં આવી. બેઝ એફએસઆઈ 1.5 અથવા વધુ હોય તો તેમાં બાકીની એફએસઆઈ ચાર્જેબલ ગણાશે. આ ઉપરાંત કોમન પ્લોટમાં જીમ, કલબ હાઉસ સહિતની કોમન એમીનીટીઝને પણ એફએસઆઈમાંથી મુકિત અપાઈ છે. ક્રેડાઈ નેશનલના ચેરમેન જક્ષય શાહે કહ્યું કે આ જાહેરાતોને પગલે રિયલ એસ્ટેટમાં તેજી આવશે.
સરકારનાં આ નિર્ણયથી હવે સોસાયટી કે ફલેટમાં ક્લબહાઉસ, જીમ, સ્વીમીંગ પૂલ સહિતની સુવિધાઓ ફલેટધારકોને મળી રહેશે. અત્યારસુધી કોમન એમિનિટીઝ એફએસઆઈમાં ગણાતી હોવાથી બિલ્ડરો તે ઓછી આપતા હતા. 10 મીટરની ઊંચાઈ હોવાના કારણે બંગલા, રો-હાઉસ વગેરેમાં પણ ત્રણ માળના ફલેટ બની શકતા હતા. હવે 12 મીટર ઉંચાઈ મળશે થતા ચાર માળના ફલેટ બની શકશે. ગામતળમાં રોડની પહોળાઈ મુજબ એફએસઆઈની મર્યાદામાં બિલ્ડિંગની ઊંચાઈ મળવાપાત્ર થશે. જેના કારણે લોકોને સસ્તા ઘર મળશે.