વડોદરાના ફતેપુરા વિસ્તારમાં રિકવર કરેલી રીક્ષા લઈ પરત ફરતાં રિકવરી એજન્ટ અને રિક્ષાચાલકને ત્રણથી ચાર જણાએ ધાકધમકી આપીને લૂંટી લીધો હોવાનો અને રિક્ષા પણ છોડાવી લીધી હોવાનો બનાવ બનતા પોલીસે તપાસ હાથ ધરી છે. વીઆઈપી રોડ પર ગોપાલ કૃષ્ણ સોસાયટીમાં રહેતા વિનય કુમાર પંડ્યાએ પોલીસને જણાવ્યું છે કે, હું નિઝામપુરા વિસ્તારની ખાનગી ફાઈનાન્સ કંપનીમાં લોન રીકવરીનું કામ કરૂ છું. અમારી કંપનીમાંથી લોન લઈ રીક્ષા લેનાર મોહંમદ આમિર જિલાની (રહે.મન્સૂરી કબ્રસ્તાન પાસે,હાથીખાના) લોનના હપ્તા ભરતો નહીં હોવાથી કંપનીએ મને રિકવરીની જવાબદારી સોંપી હતી.
તા.5 મીએ બપોરે માંડવી નજીક રીક્ષા રિકવર કરી ડ્રાઇવર ફૈજાનને બોલાવી રીક્ષા લઇ અમે કંપનીમાં જઈ રહ્યા હતા ત્યારે રિક્ષા ચાલકે તેના પુત્ર મો.આમિરને ફોન કરી બનાવની જાણ કરી હતી. ત્યારબાદ ફતેપુરામાં વાડા નજીક મો.આમિરે અમારી રીક્ષાને ઊભી રખાવી હતી અને ડ્રાઇવર સાથે તકરાર કરી તેની સાથે આવેલા મો. મુનાફ અબદુલભાઇ તેમજ અન્ય એક યુવકે પણ અમારી સાથે ઝપાઝપી કરતા મારી ચેન પડી ગઈ હતી. અજાણ્યા શખ્સે મારા પેન્ટના ખિસ્સામાંથી રૂા. 15 હજાર લૂંટી લીધા હતા તેમજ આ લોકોએ રીકવર કરેલી રીક્ષા પણ કોઈ વ્યક્તિ મારફતે વાગે કરી દીધી હતી. કારેલીબાગ પોલીસે બનાવ અંગે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.