વડોદરા-હાલોલ રોડ પર ડમ્પર અને બાઇક વચ્ચે અથડાતા ત્રણ મિત્રોના મોત થયા હતા. બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.વડોદરાના 5 મિત્રો બે બાઇક પર પાવાગઢ ગયા હતા. આ સમયે વડોદરા-હાલોલ રોડ પર બાઇક અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ બાઇક સવાર મિત્રોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
મૃતકોમાં લુણાવાડાના રહેવાસી દેવગઢ બારીયા અને દાહોદના ગરબાડાના રહેવાસીનો સમાવેશ થાય છે. મૃતકોમાં રૌનક પરમાર તેના માતા-પિતા સાથે વડોદરામાં ભાડાના મકાનમાં રહેતો હતો, જ્યારે અન્ય બે યુવકો હોસ્ટેલમાં રહેતા હતા. બનાવની જાણ થતાં મૃતકના સગા-સંબંધીઓ સહિત ટોળા હાલોલ રેફરલ હોસ્પિટલે પહોંચી ગયા હતા. આ દરમિયાન પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
ત્રણ મૃતકોમાં વીરેન્દ્ર ગોહિલ અને રૌનક પરમારે વડોદરાની સિગ્મા કોલેજમાં જ્યારે જયેન્દ્ર પટેલે વડોદરાની સુમનદીપ કોલેજમાં અભ્યાસ કર્યો હતો.
લુણાવાડાના લીંબડીયા ગામના વતની રૌનક ધનજીભાઈ પરમારનો આજે જન્મદિવસ હતો અને તે જ દિવસે રૌનકનું મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. મૃતકોના નામ નીચે મુજબ છે. વિરેન્દ્ર ભરતભાઈ ગોહિલ (ઉંમર.20, રહે. ગાંગરડી, તા. ગરબાડા, જિલ્લો દાહોદ) જયેન્દ્ર સંજયભાઈ પટેલ (ઉંમર.20, રહે. દેવગઢ, બારિયા જિલ્લો, દાહોદ) રૌનક ધનજીભાઈ પરમાર (ઉંમર. 20, રહે. લીંબડિયા તા. લુણાવાડા, જિ. દાહોદ) મહિસાગર)