વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલ વાસ તળાવનું બ્યુટીફિકેશન કરવાનું આયોજન ચાર વર્ષ પૂર્વે કરવામાં આવ્યું હતું પરંતુ તે પ્રોજેક્ટ કોર્પોરેશનને અભરાઇએ ચડાવી દીધો છે. આમ સિધ્ધનાથ તળાવ અને છાણી તળાવ બાદ આજે વધુ એક તળાવ મૃત પ્રાય હાલતમાં નજરે ચડ્યું છે. હાલ વાસ તળાવમાં રખડતા પશુઓ સાથે ગંદકીના ઢગલા નજરે ચડે છેવડોદરા શહેરના તળાવોના બ્યુટિફિકેશન કરવા અંગે વડોદરા કોર્પોરેશનને એક પછી એક પ્રોજેક્ટ હાથમાં લીધા હતા.
તેમાં મોટાભાગના તળાવોનું બ્યુટીફિકેશન પાછળ અંદાજે રૂપિયા 80 કરોડથી વધુનો ખર્ચો કરવામાં આવ્યો છે. ત્યારે જે તળાવનું બ્યુટિફિકેશન થયું છે. તેમાં આજે ફરી પાછી પરિસ્થિતિ એની એ જ થઈ ગઈ છે. ઠેર-ઠેર તળાવમાં જંગલી વેલાઓ કે પછી ડ્રેનેજનું ગંદુ પાણી ઠલવાતું શરૂ થઈ ગયું છે. જેને કારણે આજુબાજુમાં રહેતા લોકો પણ પરેશાન થઈ ગયા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેટલાક તળાવના બ્યુટીફિકેશન માટે ખાતમુહૂર્ત થયા પછી એ પ્રોજેક્ટ પડતા મૂકી દેવામાં આવ્યા છે.વાઘોડિયા રોડ વિસ્તારના વાસ તળાવના બ્યુટીફીકેશનની શરૂઆત થતાં પહેલાં જ આ કામગીરી અભરાઈ પર ચડાવી દેવામાં આવી છે જે અંગે કોર્પોરેશન ના તંત્ર દ્વારા એવો ખુલાસો કરવામાં આવી રહ્યો છે કે તળાવના બ્યુટીફીકેશન માટે જે રકમ ફાળવવામાં આવી હતી. તે રકમનું બજેટ પૂરું થઈ ગયું હતું. જેથી નાણાકીય વ્યવસ્થા ના અભાવને કારણે આ પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવ્યો છે.