વડોદરા શહેરના અક્ષર ચોકથી સનફાર્મા રોડ ઉપર ઝાડેશ્વરનગર યુ.એલ.સી. વસાહતમાં મોડી રાત્રે જૂથ અથડામણ થઇ હતી. આ બનાવ દરમિયાન પસાર થઇ રહેલી જે.પી. પોલીસ મથકની PCR વાન સ્થળ પર પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ કરતા ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. અને એક પોલીસ જવાનની બાઇકને આગ ચાંપી દીધી હતી. પોલીસ ઉપર કરાયેલા હુમલામાં PCR વાનના ASIને હાથમાં ફેક્ચર થઇ ગયું હતું. મોડી રાત્રે બનેલા આ બનાવ બાદ વસાહતમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વડોદરાના જે.પી. રોડ પોલીસ સ્ટેશનની હદમાં અક્ષર ચોકથી સનફાર્મા રોડ તરફ જવાના માર્ગ ઉપર ઝાડેશ્વર નગર યુ.એલ.સી. વસાહતમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. તે દરમિયાન પેટ્રોલિંગ કરી રહેલી જે.પી. પોલીસ સ્ટેશનની PCR વાન વસાહતમાં ચાલી રહેલા ઝઘડાનો અવાજ સાંભળીને ઉભી થઇ ગઇ હતી. અને મામલો થાળે પાડવા માટે પહોંચી હતી. જોકે, પોલીસ કંઇ વિચારે અને તે પહેલા જ ઝઘડો કરી રહેલા ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ ઉપરાંત ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો. અને LRD જવાન દેવેન્દ્રભાઇની બાઇકને આગ ચાંપી દીધી હતી. પોલીસ ઉપર કરવામાં આવેલા પથ્થર મારામાં અને હુમલામાં PCR વાનના ASI વિનોદભાઇને હાથમાં ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત ASIને તુરંત જ નજીકની ખાનગી ઓર્થોપેડિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. હુમલામાં તેઓને હાથમાં ફેક્ચર થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું. મોડી રાત્રે બનેલા આ બનાવની જાણ જે.પી. પોલીસ મથકના પી.આઇ. ડી.કે. વાઘેલાને થતાં તેઓ પણ સ્ટાફ સાથે દોડી ગયા હતા. અને મામલો થાળે પાડ્યો હતો. જે.પી. પોલીસે આ બનાવ અંગે ફરિયાદની કાર્યવાહી હાથ ધરી છે. તે સાથે રાત્રે પોલીસ ઉપર હુમલો કરી પોલીસ જવાનને ઇજા પહોંચાડનાર અને પોલીસ જવાનની બાઇકને આગચંપી કરીને નુકસાન કરનાર હુમલાખોરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.