વડોદરા કોર્ટમાં ગઇકાલે થયેલી તોડફોડ અને લાઠીચાર્જ બાદ વકીલો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે.સમગ્ર મામલે વાતાવરણ તંગ બની ગયુ હતુ. મહિલા વકીલો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ. પોતાની માંગણીઓને લઇને સાત વકીલો આમરણાંત ઉપવાસ આંદોલન પર ઉતરી ગયા છે.
જ્યાં સુધી બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન હલ ન થાય અને કોર્ટ સંકુલમાંથી પોલીસ હટાવવામાં ન આવે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ અને અચોક્સ મુદતની હડતાલ ચાલુ રહેશે તેવો વકીલોએ નિર્ણય કર્યો છે.વડોદરા કોર્ટના વકીલો આજે સવારે કોર્ટના ગેટ પાસે એકત્ર થયા હતા. જ્યાં પોલીસ અને ડિસ્ટ્રિક્ટ જજ સામે સુત્રોચ્ચારો કર્યા હતા.
30 કરોડના ખર્ચે એશિયાની સૌથી મોટી જિલ્લા અદાલતનું બે દિવસ પહેલાં ઉદ્ઘાટન થયા બાદ આજે આ સંકુલમાં તમામ અદાલત કાર્યરત થવાની હતી, પરંતુ વકીલોની બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન હલ થયો ન હોવાના કારણે આજે વકીલો ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સમક્ષ રજૂઆત કરવા માટે જતાં મામલો બિચક્યો હતો અને જજની ચેમ્બરમાં જ વકીલોએ તોડફોડ કરી હતી.પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે બળ પ્રયોગ કરતાં કેટલાક વકીલોને ઈજા પહોંચી હતી.