વડોદરા : ગણપતિ વિસર્જન અર્થે તીર્થધામ ચાંદોદમાં મિત્રો સાથે આવેલ ડભોઇનો યુવાન નર્મદા નદીના પ્રવાહમાં તણાતા લાપતા બન્યો હતો. સ્થાનિક તરવૈયા અને પોલીસ તંત્ર દ્વારા સઘન શોધખોળ આદરી હતી તેમ છતાં યુવાનનો પત્તો લાગ્યો ન હતો જે ૧૮ કલાક બાદ આજે નજીકના કિનારેથી મળી આવ્યો હતો.
મંગળવારે ગણપતિ મહોત્સવની પુર્ણાહુતિ અને અનંત ચર્તુર્થીને લઇ જિલ્લા ભરમાંથી ભાવિકો શ્રીજી ની સવારી સાથે વિસર્જન કરવા ડભોઇ તાલુકાના તીર્થધામ ચાંદોરના નર્મદા કિનારે ઉમટી પડ્યા હતા. ડભોઇના વિવિધ વિસ્તાર યુવાનો પણ ગણપતિ વિર્સજન અર્થે ચાંદોરના માળિ કુંડળના નર્મદા કિનારા પાસે જીવણનાથ આશ્રમના ઘાટે શ્રીજી ની સવારી સાથે પહોંચી નદીમાં પ્રતિમા વિર્સજન કરી કિનારે સ્નાન કરી રહ્યા હતા. દરમ્યાન ત્રણ જેટલા યુવાન એકા એક નદીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. જે જાઇ સ્થાનિકો એ નદીમાં જંપલાવી બચાવ કામગીરી કરતા બે યુવાનોને હેમખેમ બચાવી લેવાયા હતા જ્યારે ડભોઇ મહુડી ભાગોળ જનતા નગર સામે રહેતો લાલભાઇ સોમાભાઇ તડવી ઉ.વ.૩૫ ઉંડા પાણીમાં ડુબી ગયો હતો.
સ્થાનિક તરવૈયા સહીત પીએસઆઇ કે.વી.લાકોડ અને સ્ટાફે હોડીઓ છોડાવી સધન તપાસ હાથ ધરી હતી. પરંતુ મોડી સાંજ સુધી કોઇ પત્તો લાગ્યો ન હતો. સમગ્ર બનાવમાં બચી ગયેલા અને ઘટનાથી હેબતાઇ ગયેલા યુવાનોને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ડભોઇ ખસેડી સારવાર અપાઇ હતી.
જ્યારે સ્થાનિક તરવૈયા અને નાવિકો દ્વારા બુધવારે સવારે પુનઃ શોધખોળ હાથ ધરી યુવકનો મૃતદેહ મળી આવતા ચાંદોર પોલીસે કાર્યવાહી કરી મૃતદેહના પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી.