વડોદરા શહેરના ચાર દરવાજા અને નજીકના સંવેદનશીલ વિસ્તારોમાં લોકો વીજ ચોરી કરતા હોવાની બાતમી મળતાં મધ્ય ગુજરાત વીજ કંપનીએ ફરી એકવાર આ વિસ્તારોમાં ચેકિંગ શરૂ કર્યું છે. ગુરુવારે શહેરના પાણીગેટ સબ ડિવિઝન હેઠળના કહાર મહોલ્લા, પાણીગેટ રોડ, બાવામન પુરા, કાગડા ચાલ અને તાઈવાડા વિસ્તારમાં વીજ કંપનીના કર્મચારીઓએ પોલીસ અને એસઆરપીને સાથે રાખીને તપાસ કરી હતી.
24 ટીમો દ્વારા કુલ 596 કનેકશન ચેક કરવામાં આવ્યા હતા જેમાં 31 કનેકશનમાં વીજ ચોરી ઝડપાઇ હતી. વીજકંપનીના સુત્રોના જણાવ્યા મુજબ આ કનેકશનોમાં 25 લાખની વીજ ચોરી ઝડપાઈ હતી. આ ગ્રાહકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.વીજ કંપનીના સુત્રોના જણાવ્યા મુજબ આ તમામ કિસ્સામાં ગ્રાહકો સીધા વાયરમાંથી ગેરકાયદે કનેકશન લઈને વીજ વપરાશ કરતા હતા. વીજચોરી થતી હોય તેવા વિસ્તારોની ઓળખ કરીને યાદી બનાવવામાં આવી છે. આગામી દિવસોમાં આ વિસ્તારોની તપાસ કરવામાં આવશે.