વડોદરામાં કોરોનાની સારવાર દરમિયાન આજે સંખેડાના ૫૩ વર્ષના વેપારી સહિત ૧૭ દર્દીઓના મોત થયા હતા . બીજી તરફ વિતેલા ૨૪ કલાક દરમિયાન વડોદરા શહેર જિલ્લામાં મળીને કોરોનાના ૧૧૬ પોઝિટિવ કેસ પણ નોંધાયા છે. સંખેડા ખાતે રહેતા ફર્નિચરના વેપારી સુનિલભાઇ રમેશભાઇ ખરાદી (ઉ.૫૩) પાંચ છ દિવસ પહેલા વડોદરા આવ્યા હતા. તેઓની તબિયત બગડતા તેમણે એસએસજી હોસ્પિટલમાં કોરોનાના રિપોર્ટ કઢાવ્યો હતો. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બુધવારે તેમને દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન આજે તેમનું મોત થયુ હતું. આ ઉપરાંત વડોદરામાં કોરોનાની સારવાર માટે દાખલ દર્દીઓ પૈકી ૧૬ દર્દીઓના મોત થયા હતા તે સાથે વડોદરામા ંવિતેલા ૨૪ કલાક દરમિયાન કોરોનાથી મોતનો આંકડો ૧૭ થયો છે.
તો વડોદરામાં વિતેલા ૨૪ કલાક દરમિયાન લેવામાં આવેલા ૨૩૫૫ સેમ્પલોમાંથી ૧૧૬ કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. તે સાથે વડોદરામાં નોંધાયેલા પોઝિટિવ કેસની સંખ્યા ૭૫૭૬ થઇ છે. તો આજે હોસ્પિટલો અને હોમ આઇસોલેશનમાં રહેલા કોરોનાના દર્દીઓ પૈકી ૧૦૮ દર્દીઓને રજા પણ અપાઇ હતી અત્યાર સુધી કુલ ૫૮૫૩ દર્દીઓને રજા આપવામાં આવી છે. હાલમાં ૧૫૮૭ દર્દીઓ દાખલ છે જેમાંથી ૧૨૦ દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.