વડોદરાના પોલીસ કમિશનર શમશેર સિંહને ADGPમાંથી DGP બનાવાયા છે. શમશેર સિંહ 1991 બેચના આઈપીએસ અધિકારી છે. જો કે ડીજીપી તરીકે બઢતી મળવા છતાં તેઓ વડોદરા પોલીસ કમિશનરનું પદ ચાલુ રાખશે. વિકાસ સહાયને હાલ માટે ઈન્ચાર્જ ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં નજીકના ભવિષ્યમાં શમશેરસિંહ અમદાવાદના પોલીસ કમિશનર બને તેવી પ્રબળ સંભાવના છે.
માત્ર શમશેર સિંહને ડીજીપી તરીકે બઢતી આપવામાં આવી છે
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આગામી એપ્રિલ મહિનામાં નિવૃત્ત થશે. પોલીસ કમિશનરની નિવૃત્તિ બાદ શમશેર સિંહ અમદાવાદના નવા પોલીસ કમિશનર બને તેવી પૂરી શક્યતાઓ છે. ગયા અઠવાડિયે 1991 થી 1995 બેચના IPS અધિકારીઓના બઢતી અંગે બેઠક યોજાઈ હતી. શમશેર સિંહને શનિવારે જ ડીજીપી તરીકે બઢતી આપવામાં આવી છે. ડીજીપી આશિષ ભાટિયા 31 જાન્યુઆરીએ નિવૃત્ત થયા હતા. ત્યારબાદ તેમના સ્થાને વિકાસ સહાયને ઈન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યા છે.
ગુજરાત કેડરના 1991 બેચના IPS
IPS શમશેર સિંહ હરિયાણાના રહેવાસી છે. IPS ડૉ. શમશેર સિંહે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, દિલ્હીમાંથી મેનેજમેન્ટમાં પીએચડી કર્યું છે અને તેઓ ગુજરાત કેડરના 1991 બેચના IPS અધિકારી છે. તેઓ 2020 સુધી ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) ક્રાઇમના ADGP હતા. જે બાદ તેમને વડોદરા શહેરના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા.