વડોદરામાં વ્યાજખોરીના ખપ્પરમાં હોમાયેલા લોકો માટે એક તરફ પોલીસ ઝુંબેશ ચલાવી રહી છે ત્યારે બીજી તરફ વ્યાજખોરો દ્વારા મૂડી કરતાં પાંચ ગણી રકમ વસૂલ કર રહી હોવા છતાં એક વ્યક્તિ ઉપર હિંચકારો હુમલો થતાં સયાજીગંજ પોલીસે વ્યાજખોરો સામે કડક હાથે કાર્યવાહી નહીં કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભઠ્ઠામાં રહેતા હનીફમિયાં શેખે પોલીસ કમિશનરને આપેલી અરજીમાં જણાવ્યું છે કે,મારા ભત્રીજા મોહસીને નજીકના હાજી કોમ્પ્લેક્સમાં રહેતા ફિરોજ ભાઈ પઠાણ પાસે વર્ષ 2017માં રૂપિયા 35000 ઉછીના લીધા હતા. જે પેટે રોજ બે ટકા લેખે રૂપિયા 700 વ્યાજ ચૂકવવાનું નક્કી કર્યું હતું. મોહસીને અત્યાર સુધીમાં વ્યાજ પેટે રૂપિયા દોઢ લાખ થી વધુ રકમ ચૂકવી દીધી છે તેમ છતાં વ્યાજખોરો દ્વારા મૂડીની માગણી કરવામાં આવી રહી છે.
હનીફ શેખના કહેવા મુજબ ગઈ તા 21મી એ હું ઘર નજીક ચકી પાસે બેઠો હતો ત્યારે ફિરોઝ પઠાણ તેની સાથે સતારખાન પઠાણ અને કાલુ પઠાણ સાથે મારક હથિયારો સાથે ધસી આવ્યો હતો અને તું મોહસીન ને કેમ બચાવે છે.. તેમ કહી મારા ઉપર ખૂની હુમલો કર્યો હતો અને મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ બનાવમાં હજી કોઈ કાર્યવાહી કરી નથી અનેહુમલાખોરો સામે હત્યાના પ્રયાસની કલમ પણ લગાવી નથી.