વડોદરામાં કોરોના બેકાબૂ બન્યો છે અને આ બાબતને તંત્ર દ્વારા છુપાવવામાં આવી રહી છે. કોરોનાની વિકરાળતા છુપાવાના કારણે લોકોને કોરોનાનો ડર જતો રહ્યો છે અને એટલે જ સંક્રમણમાં અસામાન્ય વધારો નોંધાયો છે. વડોદરામાં છેલ્લા પાંચ દિવસમાં જ કોરોનાની સારવાર દરમિયાન ૧૧૨ દર્દીઓના મોત થયા છે અન તંત્ર આ આંકડા છુપાવી રહ્યું છે. આ ઉપરાંત વડોદરા શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમા મળીને ૫૫૦૦ કોવિડ બેડ છે જેમા વડોદરા શહેરના, જિલ્લાના ઉપરાંત અન્ય ૧૦ જિલ્લાના મળીને ૩૨૦૦ કોવિડ દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે.
એક જ દિવસમાં 25 લોકોનો લીધો ભોગ, આટલા થયા સંક્રમિત
વડોદરામાં કોરોનાનો વિકરાળ પંજો ફરી વળ્યો છે. શહેરના તમામ વિસ્તારો હવે કોરોનાની ઝપટમાં આવી ગયા છે આ દરમિયાન ગુરૃવારે ૨૫ દર્દીઓના મોત થયા હતા તો ગુરૃવારે કોરોનાના ૧૨૩ પોઝિટિવ કેસ પણ નોંધાયા હતા અને ૧૧૯ દર્દીઓને રજા પણ આપવામાં આવી હતી.
1200થી વધુના કોરોનાથી મોત પરંતુ તંત્રના ચોપડે માત્ર 166
સુભાનપુરામાં રહેતા અને છેલ્લા એક સપ્તાહથી ગોત્રી હોસ્પિટલમાં દાખલ ૬૦ વર્ષના નિવૃત્ત તલાટી- મંત્રીનું સારવાર દરમિયાન ગુરૃવારે મોડી સાંજે મૃત્યુ થયુ હતું. તેમનો સહિત વડોદરામાં કોરોનાની સારવાર દરમિયાન બુધવારની સાંજથી ગુરૃવારની સાંજ સુધીમાં ૨૫ દર્દીઓના મોત થયા હતા જેમાં એસએસજી હોસ્પિટલમાં ૧૩, ગોત્રી જીએમઇઆરએસમાં ૯ અને ખાનગીમાં ૩ મૃત્યુનો સમાવેશ થાય છે. આ સાથે અત્યાર સુધી વડોદરામાં નોંધાયેલ કોવિડ ડેથનો આંકડો ૧૨૦૪ થયો છે જો કે સરકારી તંત્રના ચોપડે તો હજુ ૧૬૬ ડેથ જ નોંધાયા છે.આ દરમિયાન વડોદરામાં ગુરૃવારે નોંધાયેલા ૧૨૩ પોઝિટિવ કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૦,૧૬૧ થઇ છે જેમાંથી ૮,૬૨૨ દર્દીઓને રજા આપી દેવાઇ છે. હાલમાં ૧,૩૭૦ દર્દીઓ સારવાર હેઠળ છે જેમાંથી ૨૧૩ દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.