વડોદરા શહેરના સંજયનગરના રહેવાસીઓના મકાનનાં પ્રશ્ર્ન હલ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા શહેર કોંગ્રેસે જાહેર કર્યું છે. છેલ્લા કેટલાક દિવસથી સંજયનગરના રહેવાસીઓ પોતાના હક્કની લડાઇ લડી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી વધુ સમયથી તેમના મકાન ખાલી કરી નાખ્યા બાદ પણ હજુ તેમને મકાન નથી મળ્યા અને છેલ્લા છ માસથી તો ભાડું નથી મળ્યુ. કોરોનાની પરિસ્થિતિને કારણે લોકડાઉન થવાથી સંપૂર્ણ ભારતના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે ત્યારે સંજયનગરમાં 700 જેટલા રહેવાસીઓ આવક બંધ છે અને તેમને ભાડુ ચૂકવવા માટે કોર્પોરેશનની બાંહેધરી આપી હતી તે બિલ્ડર દ્વારા ભાડું પણ છેલ્લા છ માસથી ચૂકવાયું નથી.
શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ જણાવે છે કે, જો આ પ્રોજેક્ટ નિયત સમયમર્યાદામાં પૂર્ણ ન થાય તો પ્રોજેક્ટ પ્રાઇવેટ બિલ્ડરો પાસેથી પાછો લો અને કોર્પોરેશન દ્વારા જો બાંધકામ કરવામાં આવે તો માત્ર 135 કરોડમાં સંજય નગરના સર્વ રહેવાસીઓને તેમને નિવાસસ્થાન મળે અને કોર્પોરેશનને પણ 1500 થી 1800 કરોડનો લાભ કોમર્શિયલ દુકાનો અને બીજા મકાન વેચીને થાય તેમ છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે પ્રધાનમંત્રીનું નામ બતાવી ભ્રષ્ટચાર કરી વડોદરા ભાજપના નેતાઓ પણ પ્રધાનમંત્રી પર લાંછન લાગે તેવું કૃત્ય કરી રહ્યા છે.
રામધૂન કરી અને શ્રીરામ ભગવાનની આરતી ઉતારી કોંગ્રેસે મુખ્ય વચન આપ્યું હતું. જ્યાં સુધી સંજયનગરના રહેવાસીઓના આંદોલનને ટેકો આપવો અને જ્યાં સુધી તેમને સંપૂર્ણ ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવું પ્રશાંત પટેલે જણાવ્યું હતું. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ આંદોલનના ઘટનાસ્થળે હાજર રહી સંજયનગરનાવાસીનું મનોબળ વધારી તેમની જોડે ખભે ખભો મિલાવીને વડોદરા કોર્પોરેશન સામે મેદાને પડયા છે આગામી દિવસોમાં મહાનગરપાલિકા દ્વારા સંજય નગરના રહેવાસીઓ જોડે ન્યાય નહીં કરવામાં આવે તો આ આંદોલનને વધુ વેગવંતુ બનાવી શહેરની ગલી-ગલીએ લઈ જઈ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની પોલ ખોલવામાં આવશે.