ન્યૂઝીલેન્ડના બર્બરતાપૂર્વકનાં આતંકી હુમલામાં ઓસ્ટ્રેલિયન આતંકી દ્વારા બે મસ્જિદમાં અંધાધૂંધ ફાયરીંગ કરવામાં આવતા નવ ભારતીય લાપતા બન્યા હતા. સુરત અને નવસારીમાં બે યુવાનો આતંકી હુમલના ખપ્પરમાં હોમાઈ ગયા હતા જ્યારે વડોદરાના લાપતા બનેલા પિતા-પુત્ર મૃત્યુ પામ્યા હોવાના સમાચાર આવતા પરિવારજનોમાં માતમનો માહોલ સર્જાયો હતો.
ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચની મસ્જિદમાં થયેલા આતંકી હુમલામાં વડોદરાના રમીઝ વોરા અને તેમના પિતા આરીફ વોરાને આજે મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મહત્વની વાત એ છે કે સાત દિવસ પહેલાં જ રમીઝ વોરાની પત્નીએ દિકરીને જન્મ આપ્યો હતો અને પિતા બનાવાનો આનંદ પણ રમીઝ માણી શક્યો ન હતો. વોરા પરિવારની ખુશીઓ આતંકવાદમાં હોમાઈ જવા પામી છે.
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ધાનાણી પાર્કમાં રહેતાં આસીફ મહંમદભાઇ વોરા (ઉં.58)ના પુત્ર રમીઝ વોરા (ઉં.28) અને તેમની પત્ની ખુશ્બુ થોડા વર્ષ અગાઉ ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયાં હતાં. રમીઝ વોરા ન્યૂઝીલેન્ડમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. ખુશ્બુ ગર્ભવતી હોવાથી આસીફ વોરા અને તેમની પત્ની રૂખસાના થોડા સમય પહેલાં ન્યૂઝીલેન્ડ ગયાં હતા. લગભગ સાત દિવસ અગાઉ જ ખુશ્બુએ બેબી ગર્લને જન્મ આપ્યો હતો. હાલ પત્ની રૂખસાના નવજાત ખુશબુ સાથે હોસ્પિટલમાં જ છે. શુક્રવારે આસીફ વોરા અને પુત્ર રમીઝ ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચની મસ્જિદમાં શુક્રવારની નમાઝ અદા કરવા ગયા હતા. મસ્જિદમાં અચાનક આતંકવાદી હુમલો થયો જેમાં 49 લોકોના મોત થયાં છે. આ હુમલામાં વડોદરાના બંને પિતા -પુત્રના ગોળીઓ વાગતા મોત થયા છે.
આતંકી હુમલા બાદ આરીફ વોરા અને રમીઝ બંને લાપતા થયાં હોવાનું શરૂઆતમાં જણાવવામાં આવ્યું હતું પરંતુ આજે પિતા-પુત્ર આતંકી હુમલામાં મૃત્યુ પામ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ સમાચાર મળત વડોદરામાં રહેતા વોરા પરિવારમાં માતમની કાલીમાં છવાઈ ગઈ હતી.