વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરાંમાં મોડી રાત્રે લાગેલી આગના કારણે સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. કલાદર્શન ચાર રસ્તાથી ડી માર્ટ જવાના માર્ગે આવેલી માય રેસીપી નામની રેસ્ટોરાંમા ગઈ રાતે પોણા બાર વાગ્યાના અરસામાં કિચનની ચીમનીમાં ઓવર હીટિંગના કારણે લાગેલી આગના કારણે ધુમાડાના ગોટેગોટા ચાર માળ સુધી ફેલાતા ઉપર રહેતા પરિવારજનો ગભરાઈને નીચે ઉતરી આવ્યા હતા.
રેસ્ટોરાંના કિચનમાં પાંચ ગેસ સિલિન્ડર હોવાના કારણે કર્મચારીઓ તેમજ આસપાસના રહીશોના જીવ ઉંચા થઈ ગયા હતા. કેટલાક યુવકોએ હિંમતભેર ચાર સિલિન્ડર બહાર કાઢી લીધા હતા જ્યારે, ફાયર બ્રિગેડ આવી જતા પાંચમો સિલિન્ડર પણ બહાર કાઢી આગ કાબૂમાં લીધી હતી.