મકાનોની માગણી કરતા કલ્યાણ નગરના રહીશો દ્વારા સામૂહિક આત્મવિલોપનના અગાઉના પ્રયાસ બાદ બે દિવસ સુધી મોરચા સ્વરૂપે આવી રજૂઆતો કર્યા પછી આજે વડોદરા કોર્પોરેશનની ઓફિસે પહોંચી કમ્પાઉન્ડમાં સુત્રોચ્ચાર કર્યા હતા અને કોર્પોરેશનના તંત્ર સામે આક્રોશ દર્શાવી બંગડીઓ ફેંકી હતી. જેમાં એક મહિલાએ પોતાના દુપટ્ટાથી ગળે ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે નાસભાગ મચી ગઇ હતી. મહિલાને ફાંસો ખાતા અટકાવતા ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા મહિલા નીચે પડી ગયા બાદ તરત જ કોર્પોરેશનના ડોક્ટરને બોલાવી ને તેની શારીરિક તપાસ કરાવી હતી દરમિયાનમાં 108 એમ્બ્યુલન્સને બોલાવી લેતા તેને દવાખાને લઇ જવાઇ હતી. કલ્યાણ નગરના રહીશો મકાનો આપવાની માગણી સાથે છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. જેમાં બે દિવસ અગાઉ સુરસાગર ખાતે સામૂહિક આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો. જેમાં 25 મહિલા સહિત 26 અટકાયત કરવામાં આવી હતી. 2014માં કોર્પોરેશનને કમાટી બાગ પાસે કલ્યાણ નગર વસાહત તોડી પાડી હતી. આ સ્થળે નવા મકાનો તૈયાર કરીને વસાહતના લાભાર્થીઓને આપવાના હતા. અત્યારે મકાનોનું કામ ચાલુ છે. હજી એકાદ વર્ષ સુધી મકાનો મળે તેમ લાગતું નથી. જેના કારણે લોકો રોષે ભરાયા છે.