T20 માં છગ્ગાનો કિંગ કોણ? મિશેલ માર્શે વૈભવ સૂર્યવંશીને પછાડી બીજા ક્રમે મેળવ્યું સ્થાન
વર્ષ 2026 માં T20 ક્રિકેટ ક્ષેત્રે વિસ્ફોટક બેટિંગ અને છગ્ગાનો નવો રોમાંચ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સૌથી વધુ છગ્ગા (T20 Sixes) ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં એક મોટો ફેરફાર નોંધાયો છે. ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓલરાઉન્ડર મિશેલ માર્શે પોતાની તાબડતોબ બેટિંગના દમ પર ભારતના 15 વર્ષીય સન્સેશનલ બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને પાછળ છોડી દીધો છે.
હાલમાં ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી ‘ધ હંડ્રેડ’ ટૂર્નામેન્ટમાં પોતાના બેટથી રન અને છગ્ગાનો વરસાદ કરનાર મિશેલ માર્શ હવે વર્ષ 2026 ના સૌથી વધુ T20 છગ્ગા મારનારા બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. આ રેસમાં ન્યૂઝીલેન્ડનો ઓપનર ફિન એલન હજુ પણ ટોચ પર કાયમ છે.

વૈભવ સૂર્યવંશી સરક્યો ત્રીજા ક્રમે: આઈપીએલમાં રચ્યો હતો ઇતિહાસ
ભારતના આશાસ્પદ યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ વર્ષ 2026 દરમિયાન પોતાની શાનદાર અને આક્રમક બેટિંગથી સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું છે. આઈપીએલ 2026 ની સિઝનમાં વૈભવે સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ પણ પોતાના નામે કરી હતી. તે T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 100 છગ્ગા પૂરા કરનાર વિશ્વનો સૌથી નાની વયનો ખેલાડી પણ બન્યો છે.
વૈભવે વર્ષ 2026 માં અત્યાર સુધી રમાયેલી 22 T20 મેચોમાં કુલ 86 છગ્ગા ફટકાર્યા છે. જોકે, મિશેલ માર્શે તાજેતરની મેચોમાં શાનદાર પ્રદર્શન કરીને 33 મેચોમાં 89 છગ્ગા સાથે વૈભવને ત્રીજા સ્થાને ધકેલી બીજા સ્થાને કબજો જમાવી લીધો છે.

2026 માં સૌથી વધુ T20 છગ્ગા ફટકારનારા ટોચના બેટ્સમેનો
- ફિન એલન (ન્યૂઝીલેન્ડ): 45 મેચોમાં 97 છગ્ગા સાથે યાદીમાં પ્રથમ સ્થાને.
- મિશેલ માર્શ (ઓસ્ટ્રેલિયા): 33 મેચોમાં 89 છગ્ગા સાથે બીજા સ્થાને.
- વૈભવ સૂર્યવંશી (ભારત): 22 મેચોમાં 86 છગ્ગા સાથે ત્રીજા સ્થાને.
- રિયાાન રિકલ્ટન (દક્ષિણ આફ્રિકા): 38 મેચોમાં 86 છગ્ગા સાથે ચોથા સ્થાને.
- અભિષેક શર્મા (ભારત): 38 મેચોમાં 74 છગ્ગા સાથે છઠ્ઠા સ્થાને.
- ઇશાન કિશન (ભારત): 38 મેચોમાં 73 છગ્ગા સાથે સાતમા સ્થાને.
ટોપ-10 ખેલાડીઓની યાદીમાં કુલ ત્રણ ભારતીય બેટ્સમેનો વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા અને ઇશાન કિશન સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે.