વલસાડ: પાથરીની પારસી કુટુબની બોગસ વારસાઈ બાદ જમીનને NA કરાવવા રાજુ શેરાનાં કાવાદાવા? કલેક્ટર કચેરીની ભૂંડી ભૂમિકા સામે ચિંઘાતી આંગળી
વલસાડના પાથરી ગામમાં પારસી કુટૂંબની બોગસ વારસાઈનો મામલો ફરી એક વખત ધૂણ્વા માંડ્યો છે. આ વખતે વલસાડ ક્લેક્ટર કચેરી સામે પણ આંગળી ચિંધવામાં આવી રહી છે. પારસી કુટુંબની વિવાદાસ્પદ અને બોગસ પેઢીનામા દ્વારા કાવતરા રચનારા તત્વો હવે આ જમીનને NA કરવવા મેદાને પડ્યા છે અને નવા કાવાદાવા શરુ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જમીનનાં બોગસ પેઢીનામા અંગે રાજુ શેરા દ્વારા NA કરાવવા માટે રજૂ કરાયેલા પેઢીનામાને પ્રમાણિત કરવા માટે ક્લેક્ટર કચેરીનું તંત્ર શા માટે બેબાકળું અને રઘવાયું બન્યું છે તે અંગે પણ સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે. જોકે, સમગ્ર પ્રકરણને કોર્ટમાં પડકારવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે.
આજથી આઠ મહિના પહેલાં “સત્ય ડે” દ્વારા પાથરી ગામમા પારસી કુટુંબની જમીનના સતતને સતત અહેવાલો પ્રસિદ્વ કરવામાં આવ્યા હતા. કેવી રીતે બોગસ પેઢીનામું તૈયાર કરવામાં આવ્યાથી લઈને જમીન પચાવી પાડવા માટના સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. પરંતુ ક્લેક્ટર કે ડેપ્યુટી ક્લેક્ટરનું પેટનું પાણી પણ હાલ્યું નહીં અને કોઈ કાર્યવાહી કરવામાં આવી નહી. આનાથી જમીન કૌભાંડીઓને ફાવતું મળી ગયુ અને તેમણે જમીનને NA કરવા માટે અરજી કરવા સુધીની હિંમત બતાવી દીધી છે. ક્લેક્ટર દ્વારા કૌભાંડીઓને પાઠ ભણાવવામાં નહીં આવતા તેમને બોગસ પેઢીનામાના આધારે જમીનને NA કરાવવા માટે મોકળું મેદાન આપી દેવામાં આવ્યું હોવાનું ચર્ચા ચાલી રહી છે.
જે તે સમયે પાથરી ગામની આ જમીનનાં પેઢીનામાને ડેપ્યુટી કલેક્ટર કુકડીયાએ નામંજુર કર્યું હતું
અને પાછળથી પેઢીનામાને મંજુરી આપવામાં આવી હતી. જે તે સમયે તત્કાલિન ડે. કલેક્ટરે કુકુડીયાએ દુત્યા પરિવારના નામે રજૂ કરવામાં આવેલા પેઢીનામાને નામંજુર કરી દીધું હતું અને અરજીને ફગાવી દીધી હતી. પંરતુ પાછળથી જમીનનું બોગસ પેઢીનામું બનાવીને જમીન ખરીદનાર બિલ્ડર રાજુ શેરાએ કલેક્ટર તંત્ર સાથે મેળાપીપણું કરીને વારસાઈ 7/12માં ચઢાવીને બારોબાર જમીન વેચવા કાઢવાનો કારસો રચ્યો હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો.
વિગતો મુજબ 11-7-2021માં 1955માં અવસાન પામેલા પાથરીના સરવે નંબર 416(157) અને 428(157)ની જમીનના પારસી માલિક હોરમસજી શાપુરજી દુત્યા અપરિણીત હોવાથી નિં:સંતાન હતા. આમ તેમના કોઈ વાલી વારસો ન હતા. છેક 2021માં તેમની બહેનના વારસદારો તરીકે રતિ અરદેશર દુત્યા અને ભાણેજ તરીકે બખ્તાવર અરદેશર દુત્યા અચાનક આ જમીનમાં વારસદાર બનીને બહાર આવ્યા હતા. બે વારસદારોના નામ આ જમીનમાં દાખલ કરવા માટે પ્રાંત કચેરીમાં તે વખતના નાયબ કલેક્ટર નિલેશ કુકડીયાની સમક્ષ અરજી કરવામાં આવી હતી.
આ અંગે નાયબ કલેક્ટર દ્વારા તમામ પ્રકારની ચકાસણી કરીને જમીન અંગે વારસાઈ કરવા માટેના જરુરી પુરાવા અરજદારો પાસે માંગ્યા હતા પરંતુ અરજદારો દ્વારા જમીન અંગે વારસાઈ હક માટેના પુરાવા નાયબ કલેક્ટર કુકડીયાને સંતોષકારક લાગ્યા ન હતા અને તેમણે 9-7-2021નાં રોજ બન્ને વારસદારોની વારસાઈને અગ્રાહ્ય એટલે નામંજુર કરી ફગાવી દીધી હતી.
હવે બિલ્ડર રાજુ શેરા દ્વારા જમીનને NA કરાવવા માટે અનેક પ્રકારનાં નવેસરથી કાવાદાવા કરવામાં આવી રહ્યા છે અને ક્લેક્ટર કચેરી દ્વારા આખાય મામલા પર ચૂપકીદી સેવવામાં આવી રહી છે તે એક પ્રકારે તંત્રના મેળાપીપણા તરફ સીધી આંગળી ચિંધવા માટે પુરતું છે. રાજુ શેરા જમીનને બોગસ પેઢીનામાનાં આધારે પચાવી પાડવા માટે ધમપછાડા કરી રહ્યા છે ત્યારે હવે ક્લેક્ટર તંત્ર સમક્ષ લોકો કાયદેસર કાર્યવાહીની મીટ માંડીને બેઠા છે.