ગણેશ મહોત્સવની શરૂઆત વલસાડ શહેરમાં જરૂરી મંડપો અને સ્ટેજ વગેરે બનાવી કરવામાં આવી છે. ત્યારે સમગ્ર શહેરના રસ્તાઓ પર પડેલ ખાડાઓ અને ગંદકીના સામ્રાજ્ય માટે વલસાડ પાલિકાનાં પ્રમુખ અને વલસાડ જીલ્લા કલેકટર ને જાણે ગણેશજી પોતે રૂબરૂમાં આવીને આવેદન પત્ર આપતા હોય તેવો પુરો વેશ ધારણ કરી ખાડાઓવાળા રસ્તા પર ચાલીને આવેદન પત્ર વલસાડ પાલિકામાં અને વલસાડ જીલ્લા કલેકટર કચેરીને આજરોજ આપવામાં આવ્યું હતું.
શંકર પાર્વતીનાં પુત્ર ગણેશજીએ આવેદન પત્રમાં લખ્યું છે કે ગણેશજીની સ્થાપના ભક્તજનો દ્વારા વિવિધ જગ્યાએ કરવામાં આવે છે. છેલ્લા પાંચ વરસથી પાલિકા પ્રમુખની કાર્ય શૈલીને આવેદન પત્રમાં વખાણવામાં આવી છે. પરંતુ સાથે સાથે હાલે આ વરસે ઠેર ઠેર પાણીના ખાડાઓ અને ગંદકીથી ગણેશજીને ખૂબ જ હેરાન પરેશાન થતાં ભક્તજનો અને નગરજનોની પરિસ્થિતિ તેમનાથી સહન થતી ન હોવાથી આ આવેદન પત્ર દ્વારા આ વિષમ પરિસ્થિતિ ને સુધારવા માટે પ્રયત્ન કરવા માટે વિનંતી કરવામાં આવી છે. આવેદન પત્રમાં એમ પણ જણાવ્યું છે કે જ્યારે જ્યારે જગન્નાથજીની રથયાત્રા હોય છે તો આ બધી બાબતોનું પહેલાથી ઉપાય કરવામાં આવે છે. તો મારા ભક્તજનોને જે દુખ છે તે ગણેશ મહોત્સવનાં સમયે નગરમાં દરેક જગ્યાએ આ બાબતની તકેદારી લેવાય અને આ બાબતનાં સમારકામ, સફાઇ કામ વગેરેનાં કાર્યો ખૂબ જ ઝડપથી કરવામાં આવે તેવી રજૂઆતો ખૂબ જ આકર્ષક અને વિશિષ્ય રૂપે કરવામાં આવી હતી.