ભારતમાં સૌથી મોટા કદની ઓપરેશન કરી બહાર કઢાયેલી આ પથરી ગણાય છે.
ધરમપુરની સાંઇનાથ હોસ્પિટલના તબીબે ખારવેલના રામવાડી વિસ્તારના એક પથરીથી પીડાતા દર્દીનું ઓપરેશન કરી 1 કીલો 400 ગ્રામ વજન ધરાવતી પથરી નહીં પરંતુ પથરો બહાર કાઢયો હતો. જેની લંબાઇ 13 સે.મી. અને પહોળાઇ 9 સે.મી. તેમજ ઉંચાઇ 10 સે.મી. છે. દર્દીને અસહય પીડા આપતી મૂત્રમાર્ગમાં થતી પથરી રેતીના કણ જેટલી નાની કે દડા જેવડી પણ હોય શકે છે. જયારે અત્રેની હોસ્પિટલમાં નારીયેળના કદની બહાર આવેલી પથરી આશ્ચર્ય ઉપજાવી રહી છે. ભારતમાં સૌથી મોટા કદની ઓપરેશન કરી બહાર કઢાયેલી આ પથરી ગણાય છે.
અત્રેની હોસ્પિટલમાં પેશાબ બંધ થતા સારવાર માટે દાખલ કરાયેલા ખારવેલના 45 વર્ષીય દર્દી મહેશભાઇ રસીકભાઇ પટેલને અગાઉં 1997 માં અકસ્માત નડયો હતો. જેને લઇ તેને પેશાબની નળીમાં ઇજા થતા તકલીફ ઉભી થઇ હતી. જો કે રેગ્યુલર ટ્રીટમેન્ટ આ તકલીફ દૂર થઇ હતી. બાદ તેના યુરીનરી બ્લેડરમાં ધીમે ધીમે પથરી ડેવલપ થઇ મોટી થઇ હતી. બુધવાની રાત્રીએ અચાનક પેશાબ અટકી જતા વહેલી સવારે આ દર્દીને ટ્રીટમેન્ટ માટે સાંઇનાથ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જયાં સોનોગ્રાફી, એકસ-રે, લોહીની તપાસ વગેરે થયા બાદ ર્ડાકટર પણ આશ્ચર્ય પામ્યા હતા. આ દર્દીનું પેલવીસ ઓકયુપાઇ થઇ ગયુ હતું. જે કલ્પના બહારની વાત કહેવાય. તબીબ ધીરૂભાઇ પટેલે તાત્કાલીક ઓપરેશન કરી પથરી બહાર કાઢી હતી. હાલે આ દર્દી સ્થસ્થ છે. આ પથરી યુરીનરી બ્લેડરમાં હતી. ર્ડાકટરે ઇન્ટરનેટ પર કરેલા સર્ચ આધારે જણાવ્યું છે કે અત્યાર સુધી વિશ્વની સૌથી મોટામાં મોટી પથરી એક કીલો નવસો ગ્રામની ઓપરેશન કરી બહાર કાઢવામાં આવી હતી. જયારે ભારતમાં કાશ્મીરના એક દર્દીમાંથી 834 ગ્રામની પથરી ઓપરેશન કરી કાઢવામાં આવી હતી. હાલે ઓપરેશન દ્રારા બહાર કઢાયેલી પથરીનું વજન 1 કીલો 400 ગ્રામ છે જેની લંબાઇ 13 સે.મી. અને પહોળાઇ 9 સે.મી. તેમજ ઉંચાઇ 10 સે.મી. છે. આગળના ડેટા જોતા કહી શકાય કે ભારતમાં સૌથી મોટામાં મોટી પથરી હાલે ઓપરેશન કરી બહાર કઢાયેલી હોય શકે. ગુડગાંવમાં પથરીના કરાયેલા ઓપરેશન દરમિયાન 1 કીલો 220 ગ્રામ વજન હતું પરંતુ તે તુટક ભાગોમાં બહાર આવી હતી. જયારે હાલે કઢાયેલો પથરો એકજ નંગનો છે.